sakshar bawni - Metrical Poem | RekhtaGujarati

સાક્ષર બાવની

sakshar bawni

હરિકૃષ્ણ પાઠક હરિકૃષ્ણ પાઠક
સાક્ષર બાવની
હરિકૃષ્ણ પાઠક

મળ્યું સાચનું સરનામું તો પાડ્યું નામ શરીફા,

અરજ એટલી : નૂગરા સંગે લેશો નહીં ઘડીકા!

પડતર વાસલ ભોંય કેળવી, કીધી ખેડ અદીઠ;

કાળુનો ફળગો ફૂટ્યો ને ઊગ્યો એક કિરીટ.

દોડાદોડ કરે ઝાઝી પણ શુકન અકોણા ફળે,

પરેશ નાયક થાતાં પરિયો આવી ગ્યો છે ગળે!

‘શ્રી પુરાંત જણસે’ તો ફાલ્યાં ભલાં જૂઈનાં ફૂલ,

પા કે ઓલી પા જાવું : અવઢવમાં મશગૂલ.

હસે-હસાવે તેથી હર્ષદ, કરે કશાં તોફાન;

તરવાડીની ત્રેવડ જોગાં મળજો એને માન!

ઉષા આમ તો સુહે ક્ષિતિજે, તો મધ્યાકાશે-

આયોજન-ઉત્સાહ-આવડત પૂરણરૂપ પ્રકાશે.

ઉદય થયો કે કર્યું ઉડ્ડયન, પહોંચ્યા પર્વત-ટોચે;

ક્યાંક સુંવાળી ગલિ કરે, ને ક્યાંક હળુક્થી કોચે.

‘મિસ્કીન’નું ઉપનામ ધર્યું પણ દેહ-સંપદા વાધી,

અંદરનું અજવાળું કરવા શબ્દ-જ્યોતને સાધી.

ગાવા કરતાં ગવડાવ્યામાં ભાળ્યો ઊંડો સાર,

વિનોદ વરતે જોશ જોઈને, જાળવશે વહેવાર.

હોય ‘સમુડી’ કે ‘મોટીબા’ ભાષા ભલી મલાવે-

ભાવક જો ભાવુક થયો તો આંસુ બોર વહાવે.

દોમ દોમ દફ્તરની નીચે હજી નથી ઢંકાયા,

પચીસમા કલ્લાકે હર્ષ રચે છે પળની માયા.

ચર્ચાપત્રો લખનારા પણ કરે શબ્દની સેવા,

પુરસ્કાર ના મળે ભલે પણ નામ થયાં છે કેવાં!

દલપતરામ સજાવી બેઠા પાટ દીવડો મેલી,

શિવરાતે શગ ચડે, શબદ-સૂરતની વરસે હેલિ.

તખા, ગયું રજવાડું છો ને, વાત નવી કંઈ માંડી;

પરિષ્કૃતિનો ઢોલ ઘડ્યો તે કૈંક પીટતા દાંડી!

થાપન તો પોતાનું કીધું, બેઠા સામી પાટે;

મણિભાઈની મણવટ એવી ખટવે જેવું ખાટે.

જ્ઞાનપીઠના ગૌરવજોગા લાયક ગૂર્જર બે’ક

કહે છે કેશુભાઈ : ‘મહર્ષિ’ મેકવાન છે એક.

પ્રફુલ્લ વદને ફરે, હૃદયમાં રમે રૂપાળી સખી;

ભરી પીવામાં પાવરધા, અમને તો પાકી વકી.

હિમ-અંશ જે નામ હિમાંશી, અંદર ઊકળે લાવા,

પ્રતિબદ્ધ (કંઈ કલા વિવેકી) લૂંટે તિર્યક્ લ્હાવા.

અસ્થિભંગના યોગ ઘણા પણ ટીખળ મજાનાં કરે,

છે સુરતી પારેખ શબ્દને કૈંક સ્વરૂપે ધરે.

દેખે જે ‘પ્રત્યક્ષ’ બધું ને દેખાડી પણ નાખે;

ટાણે બોલે, ના પણ બોલે રૂડી સંયમ દાખે.

અજ્ઞર કાઢે મરોડવંતા, કરે સ્મશ્રૂની સેવ,

તેથી ઝાઝું લખી શક્યા નહિ પરમ મિત્ર જયદેવ.

દિક્દિગંતનું ભવન રચ્યું ને દેશ-વિદેશો કમરા,

પ્રીતિ નિત્ય પ્રવાસી, ગણવા નથી પાદતલ ભમરા.

વનરાવન મેલીને માધવ સેવાપંથે પળ્યા,

મૌન-મધુરું હસતાં હસતાં જશ કેવા તો રળ્યા!

કચ્છી માડુ મહેતાજી લેસન થોડું તો દેશે,

ઉઘરાણી નહિ કદી, બસ યાદ આપતા રહેશે.

નવ બોલ્યામાં નવગુણ એવું સત્ય વ્યાસજી જાણે;

એની કાતર લડે કોઈ તો મૌન ધરીને માણે.

નવલિકાનાં પાને રમતાં હળ્યા કવિતા સંગે,

રિસામણે જો ન્હોય, ઊજમશી ફરતા રંગે-ચંગે.

પંડિત જોડે તળપદના ભાભાને જે બેસાડે,

ગિરનારી ટોચે પણ પગલાં ગણી ગણીને પાડે.

મનનું સુખ સાચું સુખ છે, બારી છાછરછલ્લા,

નામ ધર્યું મનસુખ મજાનું, શાખ ધરી તો સલ્લા.

વય જેનું ના વધે કોઈ દી જાણો ચતુર સુજાણ,

ચિરકુમારની રાખ-રખાવટ વરતે કેવી આણ!

રણઝણતી રૂમઝૂમતી ભાષા રાય મધુને વરી,

રંગ-રાગનો રસિયો ઠાકર કમાલ કંઈ કંઈ કરી.

નાગર શ્રેષ્ઠ વિલસતા સઘળે, પ્રગટ કરે ના તંત,

શીલભદ્ર પણ બટકબોલના ધણી સિતાંશુ સંત.

નીર-ક્ષીર ના કરે ભલે, મેદાન ‘નિરીક્ષક’ દેશે,

પ્ર.ન.શા? —કોઈ કહે લેખક છે, પત્રકાર કો’ કહેશે.

કીડીના ખોંખારે નાખ્યો નવાં ગીતનો પાયો,

વહે અનિલ ડાબે કે જમણે, પડે નહીં પડછાયો.

‘માય ડિયર’ જયલી કે જેંતી આપણને શી તથા?

કહેવા બેઠા ઓઠાં ત્યાં તો ફૂટી નીકળી કથા.

નામ સુંવાળું સુમન સરીખું, તો સાચવી રહેવું,

કહેવા જેવું હોય કશું તો જોઈ-જાળવી કહેવું.

મનહર જે ‘દિલદાર’ શીખવ્યા ચીનુભાઈને છંદ,

ગુરુ રહ્યા ગાફેલ, શિષ્યને ઓચ્છવના આનંદ.

બબ્બે ફકરા લખી પૂછશે કેવું લાગ્યું તને?

પહેલાં પૂરું કરો મુનિ ભૈ! સમજ પડે કંઈ મને.

રઘુવીર આજન્મ રાજવી, ભલી રાજવટ કરે;

હવે શબ્દની અદકી ચિંતા સમાજની ઉર ધરે.

બોરી તો સાકરની પાછી મધ-સાગરમાં બોળે,

નથી વિરોધી એક્કે જન્મ્યો, નાહકનો ક્યાં ખોળે?

શેઠ ભલે શેઠાઈ જાણે, કરતા કદી મજૂરી,

શીલ શબ્દનું સાધે તેથી કરે હાય-હજૂરી.

વશેકાઈથી વધેરવાની કળા જાણવા ચહો?

‘વિનોદની નજરે’ દુનિયાદારીને જોતા રહો.

લોક મહીં પ્રિયકાન્ત થવું તે નહિ ખાવાના ખેલ,

કલમ રાખવી પડે દોડતી, તલમાં થોડું તેલ.

શાખ ધરી ટોપીવાળાની, ફરે ઉઘાડા માથે;

દક્ષિણ કરથી તિલક કરે ને પોંખે ડાબા હાથે.

સબ બંદર કા ખેલાડી ભજવા તો રાધેભાઈ;

તર-તમને સમજે પણ સહુને દેતા રહે દુહાઈ,

મધ્યકાળ કે સ્વાતંત્ર્યોત્તર ચર્ચામાં શી હાણ?

વીર નરોત્તમ તડપેંગડે, દેખો સદા પલાણ...

લાઠીદાવ રમી જામે પણ રમત કરે તે લાંઠા,

ફેલ-ફિતુરની કરે ઠેકડી, ભર્યા ભર્યા બે કાંઠા.

નામ પ્રમાણે ગુણ ધાર્યા છે એવા ભોળાભાઈ,

હરે-ફરે, લખતા ને વાંચે, વહેંચે ભલી કમાઈ.

ભદ્રપુરુષ ભગવતીભાઈ ઉચ્ચારોથી મન હરે,

સાન દિયો તો શુદ્ધ જોડણી અંતરમાં જઈ ઠરે.

બ્રહ્મતેજ ધગધગતું, કોની કરે સાડીબાર;

લાભુબાપા કહેવે-કરવે નહીં લગાડે વાર.

‘અંગપચીસી’ રચી ભલે, મૂળે તો ઘન-ગંભીર,

કહેવા જેવું ચોકખું કહેશે, ધીરુભાઈ તો ધીર.

કોણ કોલસે કરે દલાલી? કપરો કારોબાર,

કાવ્યકલાનો કરતાં, વદથી સુ.દ. થતાં શી વાર?

નામ એક પણ શાખ અલગ, ત્રેખડમાં ભાનુપ્રસાદ,

રુચિ-રાગ પણ નોખાં, નોખી નોખી છે ફરિયાદ.

સ્રોત

  • પુસ્તક : ઘટના ઘાટે (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સર્જક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2009