દલપતરામ
Dalpatram
ગાયો ચરી ગામ ભણી વળે છે,
જુદી પડેલી સમુહે મળે છે;
ઘણી નદીઓ મળિ એક રાહ,
જાણે થયો જાહ્નવિનો પ્રવાહ.
ગોવાળ ગાયો ધણ ઘેરિ લાવ્યો,
ભાળી ભલો સૌ જન ચિત્ત ભાવ્યો;
ભગીરથે જેમ ધરી ઉમંગ,
કૈલાસથી આણી પવિત્ર ગંગ.
ગાયોતણા વેગથી ખૂબ ખેહ,
ઊંચી ચઢી ઉડિ જણાય જેહ;
ઉચારવા દુઃખ વિચાર લાવી,
જાણે ધરિત્રિ સ્વરગે સિધાવી.
ગોવાળિયા વાંસળિયો બજાવે,
સુણી ભલા સૌ જન ચિત્ત ભાવે;
જાણે ચડ્યો છે ઘન એમ જાણી,
વદે મધુરે સ્વર મોર વાણી.
ઊંચે સ્વરે ગોપ દુહા ઉચારે,
પરસ્પરે વાદ કરી પ્રચારે;
તે જેમ મલ્લો લડતા અખાડે,
પ્રચારતા બે બહુ બૂમ પાડે.
અજાતણાં વૃંદ દીઠાં પછી બે,
બધાં ઉચારે મુખ શબ્દ બે બે;
જાણે થશે ભાવિક તે ભણે છે,
અંતે જિવોની ગતિ ઠામ બે છે.
ગોવાળિએ ડાંગ ખભે ધરી છે,
એ ઉપમા તો કવિ કોઈ પ્રીછે;
જાણે કપિએ પુછ ઊંચું કીધું,
કુદી જવાને દિલ કાંઈ કીધું.
ગાયો કરે છે પુરમાં પ્રવેશ,
છુટી પડી વેગ કરી વિશેષ;
સહસ્ર ધારો થૈ જેમ ગંગ,
કરે જઈ સાગરનો પ્રસંગ.
ખેડૂજનો ખેતરથી વળે છે,
ત્યાં આખલા આગળ ઉછળે છે;
તે જેમ સૌનાં સુખ દુઃખ ટાંણે,
ઉન્મત્ત તો ચિત્ત કશું ન આંણે.
ખરા ચઢાવી પગ ચાલનારા,
ભલા ધર્યા છે શિર ઘાસ ભારા;
કેવા દિસે સંચરતા સઊ તે,
જાણે ધર્યા પર્વત રામદૂતે.
દંતાળી ખાંધે ધરી ખેડુ કોઈ,
કવિ કરે તર્કવિતર્ક જોઈ;
ધરારૂપી સ્ત્રી તણિ કાંશકી છે,
જાણે કૃષિકારકને જડી છે.
કોઈ કને દાતરડું દિસે છે,
વાંકું વળેલું વળી શ્યામ તે છે;
જાણે ગરુડે લઈ વ્યાળબાળ,
ગ્રહી જ રાખ્યું ગણી પુણ્યકાળ.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
