sauno ishwar ek - Metrical Poem | RekhtaGujarati

સૌનો ઈશ્વર એક

sauno ishwar ek

દલપતરામ દલપતરામ
સૌનો ઈશ્વર એક
દલપતરામ

(દોહરા)

તરસો માગે નીર તો, પ્રભુ પાણી પાય;

પાણી મેળવવા તણો, સૂઝાડે ઉપાય.

ટાઢે મરતો વસ્ત્ર જો, માગે ઈશ્વર પાસ;

નાખે નહિ આકાશથી, પણ પૂરે મન આશ.

(દોહરા)

જુદી જુદી લિપિમાં, લખ્યો એક ઉચ્ચાર;

તેમજ જુદા માનિયા, ઈશ્વરના આકાર.

ઈશ્વર અક્ષરથી લખ્યો, કે મૂર્તિ આકાર;

બેની મતલબ એક છે, નામ સ્મરણ દેનાર.

(દોહરા)

સર્વ વ્યાપક છે પ્રભુ, જો જાણો સૌ ઠામ;

તો તેની મૂર્તિઓ, તરુ ગિરિ આદિ તમામ.

છો તેને તે પૂજતા, જેને જ્યાં વિશ્વાસ;

નિંદા કરતાં કોઈની, નિંદાશે અવિનાશ.

(મનહર છંદ)

આંધળાઓ હાથી દેખી લડે સર્વ સાથી સાથે,

કાન જોયો તે તો કહે સૂપડા આકારે છે;

પગ જોયો તે તો કહે થંભ જેવો હોય હાથી,

દંતુશળ જોઈ સાંબેલા જેવો ઉચ્ચારે છે;

પુંછ જોયું તે તો કહે સાવરણી સમો હાથી,

વાંસો દીઠો તે તો ટેકરાની તુલ્ય ધારે છે;

એજ રીતે ઈશ્વરને જુદી રીતે જાણે જન,

સૌને સાચા ગણી સુજ્ઞ અંતરે ઉતારે છે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 171)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002