sarovarma ubhelo bag - Metrical Poem | RekhtaGujarati

સરોવરમાં ઊભેલો બગ

sarovarma ubhelo bag

નરસિંહરાવ  ભોળાનાથ દીવટિયા નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા
સરોવરમાં ઊભેલો બગ
નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા

ભૂરો મોટો ઉપર વ્યોમ-મંડપ તાણેલો,

સરવરમાં મૃદુ લહર પવન નચવે શી પેલો!

એમાં આ ઊજળો બરફ શો બગ ઊભેલો,

ને ચોગમ સૂકું રાન પડ્યું જેનો નહિ છેડો;

તે મૂકીને પાર નજર બગ નાંખે લાંબી,

કરીને ઊંચી ડોક, જુએ જ્યાં ભૂમિ વિરામી,

ને વળી તેની પાર ઊંડા નભમાંહી નિહાળે,

નવ લેખે નિજ છાંય પડી જે જળમાં મહાલે.

હું પણ આ જગરાન મહીં ઊભો રહી ઝાંખું

જીવન કેરું ક્ષિતિજ, દૃષ્ટિ વળી ઊંડી નાંખું,

નાંખી નીરખું જે દૂર સિન્ધુ પડિયો ફેલાઈ,

ને ન ગણું નિજ છાંય પડી જે આ સ્થળ માંહી.

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941