Sarjakshreshth Aangla - Metrical Poem | RekhtaGujarati

સર્જકશ્રેષ્ઠ આંગળા

Sarjakshreshth Aangla

કૃષ્ણલાલ શ્રીધરાણી કૃષ્ણલાલ શ્રીધરાણી
સર્જકશ્રેષ્ઠ આંગળા
કૃષ્ણલાલ શ્રીધરાણી

“બેટા! અહીં છરી કાં આણે?”

વદી ફરી વૃદ્ધ નમી ઊભો થયો;

પડી મૂકી શાળ અપૂર્ણ વાણે,

ધરી ભીનાં નેન નીચાં, શમી ગયો.

ત્રિભંગથી સ્હેજ છટા પ્રસારી;

ભરી બધે સ્વાંગ સુવર્ણ રંગના.

સંધ્યા તણા કેશ જરા સમારી

ડૂબે રવિ શાશ્વત કાલગંગમાં.

“બેટા! અહીં છરી કાં આણે?”

વડી ફરી વૃદ્ધ નમી ઊભો થયો;

પડી મૂકી શાળ અપૂર્ણ વાણે,

અનંત આરે કંઈ શોધવા ચહે.

ગ્રહી છુરી: ઓષ્ઠ સુમંદ ધ્રૂજે:

લહી રહે પાંચ સુરેખ આંગળાં:

ને આંખમાં ભાવ અકથ્ય ઝૂઝે

ધીમે ધીમે શબ્દ સરંત પાંગળા

“જનો તણી લાજ તમે વિદારી,

ઢાંક્યાં તમે લોક ધ્રૂજંત ટાઢમાં;

ઢાંકી જરા, સુંદરતા પ્રસારી,

લૂછ્યાં ભીના દેહ તમે અષાઢમાં.

“દિલ્હી તણી નવયૌવનાઓ

સજી સુવસ્ત્રો શબનમ્ સમાં વણી;

કૃતાર્થ ભાવે સજી નૂરજહાંઓ,

હવા સમાં ચીર ઝીણાં વણી વણી.

“પરંતુ એવી તમ સૌ કળાએ

ગુલામ શો આજ મને કરી મૂક્યો;

કલા તણી સુંદર સર્જનાએ

હીણો કર્યો આજ મને” –વદી ઝૂક્યો

રહી ગયા હસ્ત વહંત પાંગળા!

નીચે પડ્યાં સર્જકશ્રેષ્ઠ આંગળાં!

સ્રોત

  • પુસ્તક : કોડિયાં (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સર્જક : કૃષ્ણલાલ શ્રીધરાણી
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની પબ્લિશર્સ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈ
  • વર્ષ : 1957
  • આવૃત્તિ : 2