kalopalambh - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(શાર્દૂલ)

રે રે કાળ! તહારિ પાંખ સબળી સર્વત્ર ગર્જી રહી,

જેની ઊપર એક પાછળ બિજો કલ્લાક જાતો વહી,

જેના ગ્રીષ્મ વૃષા વસંત સમય સ્નેહી થઈ સંચરે,

ખેંચી જાય જગત્ સમસ્ત વહિને શૂન્યાવસાને ખરે.

મારો જન્મ થતાં દુઃખ તણિ તેં જે બક્ષિસો છે કરી,

તેથી અર્પુ હું ધન્યવાદ તુજને આનંદથી ઊભરી,

તે બક્ષીસ અપાર ભાર વહું છું જો એકલો હું હવે.

સંતોષે રહું તેથિ જો વળિ કંઈ શાન્તીનિ આશા થવે.

પ્યારાં પ્રેમિ અને સ્વબંધુજનને સન્મિત્ર જે માહરા

ના ઇચ્છું કદિ તાહરી પળ કટૂનો સ્વાદ ચાખે જરા,

જે જે આપ્તજનો ગયાં સ્વરગની શાન્તીભરી કુંજમાં,

તેનો સ્પર્શ કરી શકે નહિ કદી તેથી હું આપું ક્ષમા.

સર્વે શાન્તિ હજો સદાય વસિયા જે સ્વર્ગમાં તેમને,

તારાં દુઃખ ભવિષ્યમાં કદિ હવે કંટાળશે ના મને,

વીત્યા વાસર જેટલા મુજ તણા તે રૂણ તારૂં થયું,

તેને દુઃખ અવેજ વાળિ ચુકતે સર્વે અદા મેં કર્યુ.

તારાં દુઃખ સહ્યાં તથાપિ કંઇકે તેમાં હતુ સૂખ જો,

જો કે અંતર દાઝતું પણ ભુલાઈ ત્રાસ તારો જતો,

આવે દુ:ખ તથાપિ જે વહિ ગયું તે સર્વદા જાય છે,

તારા તો પ્રતિ આવતા ગણિ ગણી કલ્લાક લેખાય છે.

ચારે પાસથિ જ્યાહરે સ્વજનમાં આનંદ છાતો હતો,

જોતાં વેગભરી ગતી તુજ તણી શોકાગ્નિ ઝાઝો થતો,

તારૂં વાદળ ભીષ્મ ને ગભિર તે સૂર્યપ્રભા છાવરે,

જા, જા, નફ્ફટ! ના નિશા કરિ શકે તું દુઃખની આખરે.

આત્મા મૂજ તણો નિવાસિત હતો તારા મહાકાશમાં,

ત્યારે એક બિંદુ તૈજસ હતું દેખાતું આકારમાં,

તેથી સૂચન સારૂં થતું હતું તુંએ સદાનો નથી,

પીડા સર્વ પડી શિરે મુજતણે આવ્યો અહીં જ્યારથી.

તે આનંદ ગયો સદાય ગણવો કલ્લાક કર્મે રહ્યો,

તારૂં રૂપ થતાં ઉપસ્થિત બધો જો ભાર વ્હેવો રહ્યો,

જોકે અંતક સર્વનો જગતમાં તું સર્વ ચિત્તે લહે,

સંસારનિ રંગભૂમિ ઉપરે જો સર્વ ખેલી રહે.

આવે એક પ્રસંગ કે નહિ કદી તેને વિદારી શકે,

જ્યારે તારિ ત્વરીત કે ધિરિ ગતી ના જીવ જાણી શકે,

જ્યારે સર્વ તુફાન ભાવિ જગતે ઉન્માદથી ગર્જશે,

નિદ્રાવસ્થ પ્રગાઢ શાન્તિ સમુહે આત્મા હમારો હશે.

આહા! તે સુખની ઘડી તણિ સ્પૃહા અત્યંત હેતે કરૂં,

ત્યારે સર્વે પ્રયત્ન નિષ્ફળ થશે તારા હું આશા ધરૂં,

આહા! પૂર્ણ ઉમંગ શાન્ત રસમાં શું વૈર તારૂં કરે,

અને बाल પ્રહાર કાળ કરતો નિર્જીવ પત્થરે. ૧૦

સ્રોત

  • પુસ્તક : ક્લાન્ત કવિ (પૃષ્ઠ ક્રમાંક 135)
  • સંપાદક : ઉમાશંકર જોષી
  • પ્રકાશક : ગૂજરાત સાહિત્ય સભા
  • વર્ષ : 1942