sanharne ante - Metrical Poem | RekhtaGujarati

સંહારને અન્તે

sanharne ante

અનામી અનામી
સંહારને અન્તે
અનામી

(મિશ્રોપજાતિ)

પ્રભાતની પાંપણ અર્ધ ખૂલે,

સંધ્યા તણો પાલવ રાત્રિ સાહે;

ને ઘર્ઘરે રાત્રિ બસૂર સૂરે,

અશોક ઉરે મથનો મચી રહે.

“જેના ઉરે શોક અશોકને,

શોકની કાં ભરતી ચઢે છે”?

અશોક ઉરે નિત પ્રશ્ન ઊઠતો,

વિલીન સંધ્યા સુરખી મહીં થતો.

“જે નેનમાં નીંદ મધુ ભરાતી,

નેનમાં ભૂત ભૂતાવળો કાં?

જ્યાં સ્વપ્નની સૃષ્ટિ રૂડી રચાતી,

સૃષ્ટિમાં તાંડવનૃત્ય ચંડ શાં?

“ચક્ષુ તણાં પક્ષ્મ ઢળે નહિ ત્યાં,

શોણિતભીનું દીસતું કલિંગ;

ના નીંદ, ના મોદ,શમે વ્યથા જ્યાં–

આકંદ પીડિત કરંત દિંગ.

“આ કાગનિદ્રા લઉં ત્યાં, અસિ શી?

વીજભાલા હય હણહણાટો!

વિષ પાયુ શર મૃત્યુમૂર્તિ!

શતઘ્ની સંઘાટિ અહીં શુંસ્વપ્નો!

“ઓ છૂટા કેશ વિલાપતી કો–

અંકે ધરી બાળકુસુમ કોમળું;

દીનતામૂર્તિ સરિત રક્તની,

તુંબડાં માનવમસ્તકોનાં!

“હઠો, હઠો દૂર, સતાવ ના મને,

શું? હસો અટ્ટ! શું નૃત્ય આદરો!

કોણ પ્રૌઢા! રડતી નવોઢા!

વૃંદ કાં કંકણહીણ નારીનું?

“આ ઝાળ શી વહ્નીની જીભ જેવી,

આભલું કાં નવરક્ત રંગ્યું!

તેજીઓ ખોપરીઓ છૂંદે કાં!

જોગણીઓ ઊનું લોહી પીતી?

“હઠો હઠો દૂર ભૂતાવળો સૌ,

હઠાવું તોયે શતધા વધો કાં?

ભૂલું, ભૂલું, ના ક્ષણ કાં ભુલાતી?

ભૂસું, ભૂસું, તોય હૂમા શી થાતી!

“અનિષ્ટ ઊગી ભૂત વર્તમાને,

ખડી કરે ભીષણ સૃષ્ટિ ભાવિની;

કરે ના કાં? ભીષણ કત્લશિક્ષા?

કાં કોતરે ના અનુતાપકીટ?

એકચક્રે કરવા ધરાને,

મેં યુદ્ધનું ચક્ર ભૂંડું ચલાવ્યું;

ઘેલી મનીષા પરિતોષવાને,

કલિંગ સારું જીવતું જલાવ્યું,

“મહેન્દ્ર શા કુલદીપો બુઝાવ્યા,

ને સંઘમિત્રા સમી કુલદીવીઓ;

કૈં કૈં કરી કંકણહીણ કામિની,

ને નોંતરી સંસ્કૃતિનાશયામિની.

“મેં દેશની દોલત વેડફીને,

હણ્યા યુવાનો નવરાષ્ટ્રસર્જકો;

રચી અશાંતિ, પ્રગતિય રોધી,

શી યુદ્ધ-અન્તે વરસિદ્ધિ સાધી?

“કલિંગ જીત્યો-પણ જીતતાં તો,

મેં પ્રાણ-શી માનતા વધેરી;

જીત્યા નહીં આત્મરિપુ મહાબલા,

સ્થૂલ જીતે વસી સૂક્ષ્મ હાર.

“શસ્ત્રો તણા વિજય ના ઉરોના,

ઉરો વિનાના વિજયો નકામા;

જોહુકમીના વિજયો ક્ષણજીવી,

પ્રેમે જીતેલા વિજયો ચિરંજીવી.

“ના વૈરની ઔષધિ વૈર કો જગે,

છે વૈરની ઓષધિ પ્રેમ નિત્યે;

વૈર વધે વૈર, એહનો ક્ષય,

પ્રેમે વધે પ્રેમ યથા શશિ બીજે.

“વસે જીવે બ્રહ્મ વદે છૂ શાસ્ત્રો–

કૈં બ્રહ્મને ક્રૂર કરે વધેર્યા;

તાવે હવાં તાપ પ્રચંડ તાપનો,

કણે કણે વ્યાપ્તજ રંગ પાપનો;

શે વિધ જશે?

કયમ મુક્તિ થાશે?”

સ્રોત

  • પુસ્તક : કાવ્ય સંહિતા (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સર્જક : રણજિત પટેલ ‘અનામી’
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1995