અનિરુદ્ધસિંહ ગોહિલ
Aniruddhsinh Gohil
સંધ્યા સમે આપણ બાંકડા પરે
સામે ગજાવે દરિયો સમસ્તને.
(ને તું નદી શી) મુજ અંદર અશુ
ગાજી રહે આ દરિયા સમું કશું.
ધીમે લઉં બાથ મહીં તને સખે
ધીમે.
(લજ્જા થકી સૂર્ય નભે લપાય શું?)
ડૂબું જરી સ્મૃતિ મહી અતીતની :
રચ્યાં હતાં કૈંક મહેલ આપણે
'વીતાવશું સુંદર જિંદગી હવે.'
-એવા દઇ કોલ પરસ્પરે પછી
સંસાર મધ્યે તરતી કરી હતી
નૈયા (સમુદ્રે મછલી સમી) અને
(મોજા સમુદ્ર ઉછળે અનેક તે
જાણે નહોતી ખબરે) જરાક શી,
મોજા સરીખી હૃદયે થપાટ થૈ,
ભૂલી પડી નાવ સખી, મહીં
બેઠેલ બે આપણ તો ડગી ગયાં
કાબૂ થતા શાંત જલે થયા થિર
સંસારરૂપી જલમાં ફરી તરી
હોડી. સ્મરું છું ધટના તદા મ(ન)ને
કેવો થતો શુદ્ર અ-ભાવ આજ આ.
'ચાલ્યા કરે' એમ વદી તને લઉં
આશ્લેષમાં ને (રવિ જો હસે પણે
લુચ્ચો) ચહું જ્યાં પ્રિય અર્પવા
ચૂમી કપોલે (નભ શા) તને, તદા
દેખું દ્રગેથી સરતું (પણે નભે
જેવો સરે ક્ષિતિજ પાર સૂર્ય શું)
બિંદુ સમું નાજુક અશ્રુ દુઃખનું
ચૂમી લઉં અશ્રુ જ હું કપોલથી.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
