દલપતરામ
Dalpatram
ઓગાળ લીટિ પડી છે નિધિતીરતીર,
ધારે વિચા૨ નિરખી કવિ કોઈ ધીર;
જાણે સમુદ્ર મુખ તાંબુલ બીડી ચાવી,
રેખા પડી અધર ઉ૫૨ એથી આવી.
*
મોતી પ્રવાળ નિધિ મધ્ય સ્થળે વસે છે,
જો શંખલા છિપલિયો તટમાં દિસે છે;
મોંઘી ચિજો મનુષ જેમ ધરે પટારે;
સોંઘી ચિજો રખડતી રહિ જાય દ્વારે.
*
આવે તરંગ કરતા અતિ ઘૂઘવાટ,
ધીમા પડી તટ અડી ફરી જાય વાટ;
જાણે દિધેલી જગદીશ્વર કેરી આણ,
લોપી શકાતી નથી આવી તટ પ્રમાણ.
*
કાંઠે વળેલું જળમાં બહુ ફીણ જોઈ,
કાઢે વિચાર મનનો કવિ એક કોઈ;
જાણે શિવે વિષ બધું નિધિનું પડાવ્યું,
એથી અફિણી નિધિને મુખ ફીણ આવ્યું.
*
આ જો કરે અતિ ઘણો નિધિ ઘૂઘવાટ,
ગાજી રહ્યો ધ્વનિ થકી સઘળોય ઘાટ;
જાણે મદોન્મત વડો ગજરાજ ત્રાડે,
કે સિંહરાજ વનમાં બહુ બૂમ પાડે.
*
ઘોડા સમાન ઘુમતા જળ લોઢ આવે,
નૌકા નિશાનધર હાથણિયો સુહાવે;
આ ઘુઘવાટ વળી નોબતનાદ થાય,
સ્વારી ચઢાવી શુભ આજ સમુદ્ર રાય.
*
નૌકાની માળ કરી કંઠ ધરી ઉમંગે,
ઊર્મિ દિસે તિલકરેખ અનેક અંગે;
આ ઘૂઘવાટ હરિકર્ત્તનનો સમાજ,
રૂડો બન્યો નિરખિયે નિધિ ભક્તરાજ.
લોઢ = પાણીનાં મોજાં
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 50)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
