રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપાસે નથી તો પણ, ચમેલી! કલ્પના નયનો થકી
મૂર્તી મધૂરી તાહરી જોઉં હરપળે હું તો છકી;
દેખૂં ત્હને એકાન્ત માંહિં ધ્યાન મ્હારૂં ધારતી,
એકે પળે નહિ, પ્રાણ! મુજને તૂં લગીર વિસારતી.
નયનો મિંચી તૂં મૂજને મળિ છે જ એમ વિચારતી,
મલકાવિ મુખ કોઈ મંત્રબળથી મૂજને ય હસાવતી :
ફરકે અલી! તુજ અંગ, જણવે સ્પર્શિ મુજને તૂં રહી,
વાંકી થતી બે આ ભ્રમર કહે શૂં સખી! સુચવી રહી?
વળિ કાં વિલાયૂં મૂખ? મીઠી, દુઃખ આવી શૂં પડ્યૂં?
રે માનસિક મળવૂં તથાપી વિઘ્ન વચ્ચે કાં નડ્યૂં?
આ રોષ લાગે છે પ્રણયનો, વ્હાલિ! આવૂં હોય ન્હૈં?
સારો નહીં પણ દાસ ત્હારો, કાં હું સામૂં જોય ન્હૈં?
જોઊં ત્હને હૂં જાગિ ગયલી સુખદ સ્વપ્ન થકી અલી!
ને ચિન્તવી મુજને મધુર પ્રીતી અનૂભવતી ભલી.
શો માનસિક મેળાપ! જોઊં તૂજને નયણાં ભરી,
ભવજલધિમાંથી તારનારો યોગ આવો સુન્દરી!
ક્હે શાં રુડાં મોતી સમાં આ અશ્રુ થમ્ભીને રહ્યાં,
હૂં છૂં ન પાસે જાણિને શૂં નયન બહુ વ્યાકુલ થયાં?
હૂં હર પળે હાજર ખડો છૂં, દેખિ દુઃખિ બળી મરૂં
મ્હારી ચમેલી! પ્રાણ! ત્હારે કાજ ક્હે શૂં શૂં કરૂં?
શો યોગ આવો હૃદયનો! ક્યાં તૂં અને ક્યાં હૂં, અલી?
ક્યા હૂં નગૂણો યોગ્ય ન્હૈં? ક્યાં તૂં ચમેલી બહુ ભલી?
ક્યાં કરુપ હૂં–લજવન્તિ તૂં રતિરૂપ ક્યાં અલબેલડી!
છાજે શું હૂંને રાંકને બેમૂલિ મ્હારિ ચમેલડી?
ભરિયો ઘણા અવગુણ થકી, શુભલક્ષણી ગુણધામ તૂં;
આ માહરા જર્જરિત હૈયાનો સુખદ વિશ્રામ તૂં;
તૂં તો અલી રસપૂર હૂં કૈં રસવિષે સમઝૂં જ ન્હૈં,
હૂં એક જાણૂં છૂં ખરે કે જોગ ત્હારે હૂં નહીં.
હોયે ગમે ત્યમ તોય પણ આ દાસજનને ધારવો,
કુમળી નજરથી, પ્રાણ! એને આ જગે ઉદ્ધારવો,
જોવા ન જરિયે અવગુણો એના કદાપી લાખ છે,
ધરિ યાદ તુજ બ્હાનાતણી નીભાવ એ અભિલાખ છે.
મુખચન્દ્ર ત્હારો જો ખિલે મુજ મનડું પણ ખીલી રહે,
હૈડે વધે તુજ જો દયા, સુખ મુજ હૃદયે રેલી રહે;
સોળે કળા શોભે હિમાંશુ વદનનો જ્યારે સખી,
હસિતે રૂપેરી સૌ જગત આ નાહ્યલૂં લાગે નકી.
માટે સદા રહો પૂર્ણિમા ત્હારા મુખેન્દુની સહી,
કાળાં કુટિલ કુ–વાદળાં કો દી લગિર છાઓ નહીં;
તલ્લીન પ્રેમે બનિ ચકોરું મ્હારું મન હરખી રહો,
‘મધુરી ચમેલિ અમોલડી’ એ જાપ નિત્ય જપી રહો.
સ્રોત
- પુસ્તક : આપણી કવિતા સમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931