નર્મદ
Narmad
(રોલાવૃત્ત)
સલામ રે દિલદાર, યારની કબૂલ કરજે;
રાખિશ મા દરકાર, સાર સમજી ઉર ધરજે.
ઘણા ઘણા લઈ ઘાવ, તાવથી ખૂબ તવાયાં;
નહીં ભોગ પર ભાવ, નાવમાં નીર ભરાયાં.
સરખે સરખી જોડ, કોડના બંને માર્યા;
છુટી પડી ગઈ સ્હોડ, હોડમાં બંને હાર્યા.
રાખિ પરસ્પર બોજ, રોજ સંગાતે રમતાં;
ગયો ખાલિ થઈ હોજ, મોજ શી શી રે જમતાં!
એક અંગિનાં અંગ, નંગ કુંદન બન્યો છે;
છાજિયો નહિં રે સંગ, રંગમાં ભંગ થયો છે.
ઝુરે તું કહાં પડિ દૂર, ઝૂરતો હૂં અહિં રોજે;
ઉતરિ ગયાં છે નૂર, ઉર ફાટે છે સોજે.
પરસ્પરે છે પ્રીત, રીત રાખી છે સારી;
ખરેખરાં દુખિ નીત, ચીતમાં ચિંતા ભારી.
મળવાની શી વાત, રાતની રહા બહુ પાજી;
ખાઇયે ઠોકર લાત, જાત રીબાએ ઝાજી.
રોયાં કરવૂં આમ, કામ તેથી શૂં સરતૂ;
(રે) હજિયે બાળે કામ, જામ આઠે શિર ફરતૂં.
લવિયે પ્યારૂં નામ, રામનૂં નામ ન લઈયે;
ઇશ્ક કેફનાં જામ, આમ દુર કેમ જિરવિયે.
પ્રેમતણી ભલિ નાવ, આવજાવો કરિ તેથી;
મોટો લીધો લ્હાવ, રાવ નીભાયું ન બેથી.
ચાલ્યૂં થોડીવાર, માર વિધ વિધ બહુ ખાધો;
ડરી હઠ્યાં ન લગાર, પ્યાર તસતસ વધુ બાંધ્યો.
જિભે રહેલો સ્વાદ, આદ ગળકો જે લાગ્યો;
આપણને તે યાદ, નાદથી ઝાઝો માંગ્યો.
મળ્યો ને માંગ્યો તેહ, કેહ શૂં બાકી રાખી;
ભાયગમાં નહિં જેહ, રેહ ચાલૂં ક્યમ આખી.
હવે રહ્યું છે એજ, સ્હેજ જો છુટવૂં મોતે;
જો ઊંચે ચિદ તેજ, તે જ સુખ દેશે પોતે.
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 179)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
