kusumakalika - Metrical Poem | RekhtaGujarati

ધડકતે દીલ બાળા ઉભી, સખી સહુએ ત્યજી,

ઉર ઉમટીયા અવનવ ભાવો, કળી શકી,

દૃગ નમી ગઈ સુરખી ભરી મુખડે અને,

પુલક ઉપજ્યો કંપી કાયા નિવી સરી સરી.

પ્રિય પગરવે ઝબકી ઉછળી કાંઈ ઊર્મીઓ,

તન મન સહુ ખોઈ બેઠી અશકત શું કરે?

વદન છુપવ્યું આછે વસ્ત્રે અને પિયુ નીરખે,

મદન મંત્રો સંતાડેલા કપોલે તરી આવતા.

નથી દીઠી શું કો ઉપવન મહી રસની ભરી,

કુસુમકલિકા બીડાએલી જરી ઉપસી ખીલી,

સમીર સરણે લ્હેરાએલાં ફરકી ઝટ બીડતી,

મૃદુ અણસુંઘ્યાં કુણાં અંગો? દૈવી લ્હાણ બેય આ.

સ્રોત

  • પુસ્તક : ગજેંદ્રનાં મૌક્તિકો (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : રમણલાલ કનૈયાલાલ યાજ્ઞિક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2004
  • આવૃત્તિ : 2