sakhi! jo - Metrical Poem | RekhtaGujarati

[વિયોગિની]

સખિ! ઉદધિ તણે ઉરે

નભથી કૌમુદી કેવી નીતરે!

દધિ ઊછળી પળે પળે

છબી ધારે ઉરને દલે દલે!

ઊઘડે જવ ફુલ્લ પૂર્ણિમા

કરી કલ્લોલ ઊંચા ગિરિ સમા

દધિ ધૂર્જટિ જેમ નર્તતો,

ઉર કૌમુદીને સમપતો!

જગમાં પણ કોઈને કદી

મળે એકલી શુભ્ર કૌમુદી;

અજવાળું પીધેલ ભાજને

ભરી અધારું પીવાનું છે જને!

પણ કૌમુદી લુપ્ત થૈ જતાં,

ઘન અંધાર ઉરેય વ્યાપતાં;

દધિને ગત પર્વ સાંભર્યે,

ભરતી પાછી અમાસની ચડે!

સખિ! એમ કદી કદી મને

મુજ કૌમુદી અસ્ત જીવને

ઉર આવતી ઊર્મિ ઊછળી,

બનતી સાર્થક તું ભણી ઢળી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983