sahasraling taLaavnaa kaanThaa parthii paataN - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સહસ્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ

sahasraling taLaavnaa kaanThaa parthii paataN

નરસિંહરાવ દિવેટિયા નરસિંહરાવ દિવેટિયા
સહસ્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ
નરસિંહરાવ દિવેટિયા

(રોળાવૃત્ત)

અહિંયાં સહસ્રલિંગ તળાવ વિશાળું હૂતું,

અહિંયાં પાટણ જૂનું અહિં લાંબું સૂતું,

અહિંયાં રાણીવાવ્યતણાં હાડ પડેલાં,

મ્હોટા અહિં બુરજ મળ્યા માટીના ભેળા.

એમ દઈ દઈ નામ કરવી રહી વાતો હાવાં,

પાટણપુરી પુરાણ! હાલ તુજ હાલ હાવા!

ગુજરાતનો પૂત રહી ઊભો સ્થળમાં

કોણ એહવો જેહ નયન ભીંજ્યાં નહિં જળમાં?

જળ નિર્મળ લઈ વહે કુમારી સરિતા પેલી,

ન્હાસે, પાસે ધસે, લાડતી લાજે ઘેલી,

ઈશ્વરકરુણા ખરે, વહી નદીસ્વરૂપે,

સ્મિત કરી પ્રીતિભરે, ભરે આલિઙ્ગન તુંપે;

તુંપે, પાટણ! દયા ધરંતી સૂચવતી,–

ભલે કાળની ગતિ મનુજકૃતિને બૂઝવતી,

મુજ પ્રેમસરિતપૂર વહ્યું જાશે અણખૂટ્યું,

છો ધનવિભવ લૂંટાય, ઝરણ મુજ જાય લૂંટ્યું.

તોડી પર્વતશૃઙ્ગ મનુજ મદભરિયો મ્હાલે,

જાણે નિજ કૃતિ અમર, ગળે કાળ તે કાલ્યે,

ને મુજ તનડું ઘડ્યું કોમળું પાણીપોચું,

તે તો તેમનું તેમ રહે યુગ અનન્ત પ્હોચ્યું.

સ્રોત

  • પુસ્તક : કુસુમમાળા (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : નરસિંહરાવ ભોળાનાથ
  • પ્રકાશક : જીવનલાલ અમરશી મહેતા
  • વર્ષ : 1912
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ