રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો(૧)
શી બેટથી બઢતી કીર્તનધૂન આવે!
ઓખાતટે અનુભવી, નિધિ! રોમરોમ.
મેં સોમનાથ જઈ વર્ષ સહસ્ર કેરાં
ઝીલ્યાં અરબ્બી દધિનાં સહુ ગીત ઘેરાં!
ને એથી દૂર જઈ દક્ષિણ ઘાટ કેરી
સ્હેલ્યો, સદા હરિત ડુંગરદીપમાળે,
જ્યાં ખંડિયેર મહીં વાયુવિલાપ જાગે,
જ્યાં ગર્વગાન મહીં મગ્ન અટંકી કોટ.
નીરે–તટે બચપણેથી ફર્યો પ્રવાસે,
– મેં નીરનેહઅવગાહન આંહીં કીધું.
(૨)
આ પાસ તુંગ ઝૂલવે તરુ પાન–પંખા,
– પંખાકમાન રચતી તટ–છોળ તારી!
આ પાસ મર્મરની મૌનઝકોળ વ્હેતી,
તું ગુંજનેય વ્યજતો મધુમૌનમર્મ.
ના કીર્તિ ઘોર અહીં સ્વાર્થની દોડધામ,
કે આવરે ન તટ જંગી – જહાજ – ધૂમ;
નિર્વિઘ્ન અંતરતલે પડછાઈ રહેતાં
આ નીર, તીર, તરુ, – આ શુચિતા અનંત,
તારે પડી શી જનમંડિત મોટપોની
– જ્યાં નિર્મળા પ્રકૃતિ નિર્મિત નોખી શોભા.
(૩)
આવી ચડ્યો હું ફરતોફરતો, કિનારે
માંડી મઢૂલી તુજ શાશ્વત ગાન કેરે.
સાનંદ નાદનિધિ! તેંય તરંગતાને
આતિથ્ય કીધ ઋતુએ–ઋતુએ નવેલાં :
વર્ષાની પ્હેલી – પનિહારી શી વાદળીનાં
તેં વીજઝાંઝર સહે નિજ માંડ્યું નૃત્ય;
જાગી વળી ધૂમસ–સોઢણથી, જગાડ્યો
આલાપી શીત ઋતુનાં કંઈ મન્દ્ર ગાન;
ને રાત સારી જતી ગ્રીષ્મની ઘેનઘેરાં
તારાં સુણ્યાં શ્રવણરમ્ય નિમંત્રણોમાં.
(૪)
પો ફાટતાં જ દઉં દોટ અધીર અંગે
તારા હિલોળ થકી આતુર ક્રીડવાને :
હીંડોળતાં જળદળો પર વાય વ્હાણાં,
જામે વિરાટ જળ–જ્યોતિ તણા શું રાસ!
સૌ સાથમાં હીંચકતાં તુજ ઊર્મિદોલે,
તું ખીજવે, તું રીઝવે ઘુઘવાટ હાસે;
દૂરેથી છદ્મભય લોઢ ઉછાળી ડારે,
આરે ગૂંથે ઘુઘરિયાળ તરંગમાળ!
નારાયણાર્થ મૃદુ સેજ બિછાવનાર!
મેં માણ્યું જાણ્યું અહીં વત્સલ તારું રૂપ.
(૫)
સંધ્યા સુનેરી ઝમતી’તી નભેથી જ્યારે
આવ્યો સમીપ તુજ છેલ્લી વિદાયવેળા;
ત્યાં તે જ સ્તબ્ધ તટ પાસ પ્રજાપ્રજાનાં
વાત્સલ્યવારિ ઝીલતાં શિશુ પોયણાં શાં!
ભૂલું હું ભેદભ્રમણો તટતીર કેરાં
એવી છવાઈ ગઈ શાંતિ ઉરે અગાધ
ને ખીલી રહેતી રજની મહીં ત્યાં, અજાણ્યે
ગીતોર્મિએ છલી રહ્યો મુજ રંક કંઠ!
એ ગીતમાં ગયું ગવાઈ, – ચહી જવાયું
પૂર્ણાનુભૂતિક્ષમ, સાગર! ઘેરું હૈયું.
સ્રોત
- પુસ્તક : રેષાએ રેષાએ ભરી જ્ઞાનઝંખા (પૃષ્ઠ ક્રમાંક 325)
- સંપાદક : જયંત કોઠારી, સુધા અંજારિયા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997