Rentio Kantata Kantata - Metrical Poem | RekhtaGujarati

રેંટિયો કાંતતાં કાંતતાં

Rentio Kantata Kantata

નિરંજન ભગત નિરંજન ભગત
રેંટિયો કાંતતાં કાંતતાં
નિરંજન ભગત

સૃષ્ટિના સકલ સંચલને નિમગ્ન

કો બાહુને સતત પ્રેરત આદ્યતત્ત્વ

તત્ત્વ યરવડા તણું કાષ્ટચક્ર

–જે યજ્ઞરૂપ, નિત એહ ચલાવતા તે

માહરા બાહુ વિષે વસ્યું છે.

દીર્ઘ ચક્ર, અતિ ઉગ્ર, અહો શું સૂર્ય,

સત્ય; ને લઘુક જે વળી ચક્ર, શાંત,

ચન્દ્ર શું, પ્રગટ મૂર્તિમતી અહિંસા;

ને આસપાસ અહીં ગુંજનમાં રચાતો

સંવાદ, સકલ તારકવૃંદ, પ્રેમ.

ત્યાં દૂર ચક્રમુખ માંહી વસ્યું સ્વર્ગ,

ને સૂત્રના સકલ તાર વિષે ગંગા;

ત્યાં જે વસ્યો મુજ ભગીરથ અન્ય બાહુ

એના પ્રયત્નબલથી નિત જે વહી ર્હૈ;

એથી પાવન થતું પૃથિવીનું તીર્થ.

હું એક બાહુ થકી અંજલિ કર્મરૂપ

અર્પી રહું નિત અનાદિ અનંત પ્રત્યે,

ચિત્તનો હૃદયનો મુજ પૂર્ણયોગ;

ને અન્ય બાહુ થકી આશિષ એહની હું

ઝીલી રહું...

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1968 (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ