malkam bagman sawar - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

માલ્કમ બાગમાં સવાર

malkam bagman sawar

વિરાફ કાપડિયા વિરાફ કાપડિયા
માલ્કમ બાગમાં સવાર
વિરાફ કાપડિયા

(મુંબઈમાં જોગેશ્વરી ઉપનગરની કૉલોની માલ્કમ બાગ, પ્રાકૃતિક તથા માનવીય

ખેલથી સભર, રચનાકારની ઉછેર-ભૂમિ છે.)

આફતાબનો ખૂલ્યો બુરખો,

બોલ્યો ગુરખો,

‘રાત-રાતભર ફરી ફરી મેં ડંકા માર્યા,

લોક બધેબધ એક સરખા શંકા-માર્યા;

હાશ, હવે હું મારું છેલ્લી વાર’ -

માલ્કમ બાગમાં પડી સવાર.

‘પડી સવાર, પડી સવાર,’ કોયલ બોલી

એની અનુપમ રોયલ બોલી,

પલપલ થંભિત કંપ-વિલંબિત કોમલ બોલી,

કાગા બોલ્યા, સૂડા બોલ્યા,

રૂડા કાકાકૌઆ બોલ્યા,

અને બોલિયો મહા ભોળિયો દૂર્વે કૂદી

કાકડિયો કુંભાર -

માલ્કમ બાગમાં પડી સવાર.

હળવે હળવે હોલા-હોલી,

જોડે જોડે કબૂતર-જોડી

થોડે થોડે સમડી ડોલી

બોલી, બોલ્યા બગલાં બાર.

રંગે રંગી હમિંગ-પંખી

ધરી ચાંચમાં ફૂલ સુગંધી

બોલ્યું, બોલ્યાં દ્વય બતકો, હળી હંસો ચાર-

માલ્કમ બાગમાં પડી સવાર.

ઘરને ચાવલ ધરાઈ ચૂકેલી,

છત-બીમ પર ભરાઈ સૂતેલી,

હવે રૂમથી

રૂમ ઘૂમતી,

એકસામટી બધે ઊમટી,

ચલતી-ફિરતી

જાણે ઘરની ઘરવખરી હો નકરી

બોલી ચકલી;

બોલ્યાં પંખી પંચ હજાર

માલ્કમ બાગમાં પડી સવાર.

પાંઉ કડક-પોચાની તાજી

લાદી લઈ સાઇકલ વિરાજી

દાનો દઢિયલ દૃઢ વોરાજી

આવ્યો, ‘બોલો, કેટલા માજી?’

ભરી દૂધથી બેઉ દેગડા

આવી ત્યાં ઇબ્રાહીમ ખડા;

ગયા નહીં કદીય જિમમાં,

હાથ જુઓ પણ ઇબ્રાહીમના!

બે ગઠબંધાં થડિયાં નીમનાં!

‘આજે કેટલું આપું, માજી?’

‘એવું મેંકું ઇબ્રાહીમજી,

રાતે વાસણ મૂકવું વીસરી;

એક શેર આખો ને પૂરી

છુટ્ટા હાથે નાખો ધાર’ -

માલ્કમ બાગમાં પડી સવાર.

ઇસ્ત્રીબંધ સુઘડ કપડાં શો

બગલ ઘાલતા છાપાંનો સો

નિજ નિજના લત્તાનો હિસ્સો

આવ્યા દત્તુ, શિવ, બાલાજી,

બાલવૃદ્ધ દરજી તાનાજી,

આવી તે મચ્છીવાળી જે

ત્રણ પેઢીથી અહીં કમાઈ,

હર પેઢી ‘મૌસી’ કહેવાઈ.

ભાજી વાળી હૌસી આવી,

(નામ ખરેખર હતું પણ

નહીં કદી ‘હૌસી’ કહેવાઈ)

કરી ટોપલો વહન વહન

હવે વહે કંઈ દરદ ગહન;

શસ્ત્રક્રિયા, બહુ સારવાર,

ચિંત્ય પ્રશ્ન સહુ, દુર્નિવાર.

કહે કહાણી, વાણીય ત્રસ્ત,

આછેરું મુખ પર ધરત વસ્ત્ર,

યાચે ગ્રાહકથી કંઈ સહસ્ત્ર;

ના કંઈ સિક્કા, ના સહી-પત્ર,

ને દેનારે, બાઈ ભલીએ,

વિજન બેનામ ગલીએ

સમજી એને દૂધ બહેન સમ દીધા ઉધાર-

માલ્કમ બાગમાં પડી સવાર.

ઇસ્ત્રીવાળો સુનીલ રાવત,

કયે ગામથી ચાલ્યો આવત?

કામ વધ્યું ને વધીય આવક,

તે મામા મંગાવે રાહત-

દૂધમુખો સરખો બાલક

આમ મજૂરી કરવા આવત?

(એ વયને હું તેડી જાવત

સ્કૂલે, ચોરે, ક્રીડાગારે,

સરવર-પાળે, કુંજવિહાર)

ઈંડાવાળો અબ્દુલ કાજી,

સીંગચણા લઈને ભૈયાજી-

જ્યોતિને ચંદરવે સર્વે

હરતા ફરતા રળતા કરતા છોટા-મોટા ધંધા ધાપા

આવ્યા; આવી શેરીમાં ફેરી-વણજાર-

માલ્કમ બાગમાં પડી સવાર.

તહીં નગરના જીર્ણ જૂથથી,

શીર્ણ, જીવનના કાલકૂટથી,

કમરા-ખોલી જટાજૂટથી

વહી વિમલકર શુદ્ધ શુચિતા

સદન-સોહાવત સૌમ્ય સરિતા-

‘સકુ’, ‘સુનીતા’, ‘તારુ’, ‘વનિતા’-

ઘર ઘર અવ તે આવી ‘ગંગા’!

જ્યાં ફર્શ પર ધૂળ ફલંગે,

અસ્તવ્યસ્તતા પડી પલંગે,

ભાંડી છાંડી અન્ન કઢંગે,

વસ્ત્રો અંકિત પંકિત રંગે,

બાબો અંગે નંગધડંગે,

ત્યાં આવીને ઊતરો, ગંગે!

ઝાડુ-હસ્તે, સાબુ-હસ્તે,

બાલટી-હસ્તે, બાંબુ-હસ્તે,

કલુષે કલુષે નીખરો, ગંગે!

જમણા હસ્તે, ડાબા હસ્તે,

ટૂંકા હસ્તે, લાંબા હસ્તે,

કરો ઉતારો સૂથરો, ગંગે!

સાજે હસ્તે, નરવે હસ્તે,

દુખતે હસ્તે, વરવે હસ્તે,

જુવાન-ઘરડી-કાયા-હસ્તે,

‘આયા’-હસ્તે

ઊડો તમારા શીકરો, ગંગે!

કૃપાલુ મૈયા, સહો અમારો જીવન-ભાર;

મધુમય મૈયા, હરો વિદારો જીવન-ક્ષાર;

કરો સકલ ઉજ્જવલ વિસ્તાર-

માલ્કમ બાગમાં પડી સવાર.

હવે સુનીતા ગઈ જે ઘરમાં,

વૃદ્ધ શેઠ ને વૃદ્ધ તહીં મા.

ચડો નહીં જ્યાં હજુ સીડીએ,

ઊતરો યાદોની યાદીએ:

પહેલું-વહેલું કામ કર્યું’તું

અહીં સુનીતાની દાદીએ-

સરખા કરતા પલંગ-પાટો,

ઝટકી ઝાડુ ભરતી માટો,

ધોતી કપડાં, પ્રોતી પાંતો,

અધવચ માલી સાથે વાતો,

વારે વારે ઊટકે તો

વાસણકૂસણ -પોષણમાં તો

બસ દિવસભર ખાતી કાથો.

કામ સુનીતાયે સૌ કરતી,

વૃદ્ધોની સંભાળે વળતી,

પણ ના પાને કાથો ગળતી,

રોટી-ભોજન અહિંનાં કરતી.

કો’ને કાથો, કો’ને રોટી,

જૂજ રૂપયડી, ધન ધન હોતી.

જય જય કાથો-રોટી ચંગા,

અહીં કથરોટે આવી ગંગા!

આવી વરસે, આવી માહે,

હપતે આવી, હપતા માંહે

સાતે દિવસે, સાતે વાર-

માલ્કમ બાગમાં પડી સવાર.

જે ઘર કરતી સુનીતા ભોજન,

તિહાં આણતી મળ્યે પ્રયોજન

ઘરે પકાવ્યા કંઈ સ્વાદુ કણ-

જેમ ઘૂઘરા દિપાવલી દન;

એકબીજાના લૂણથી પાવન!

બાલપણાથી અહીંયાં તેડી,

સરસ બોલતી સુનીતા દેવી

પરમ પારસી બાની કેવી!

બાઈ-શેઠના બોલ ઘટાવે,

બાબાને કાલું બહેલાવે,

પડોશમાં સંદેશ સુણાવે,

ભલી ફેરિયાને ફરમાવે-

બની સુનીતા ‘આંટી’ જાવે!

જ્યારે નૌ સંતાન-સુહાઈ

આવે એની મા કૃશકાયી,

હીરા, જેને છોરુ-ચિંતા,

નહીં બાઈની ભાષા વિદિતા,

ત્યારે સહ સુનીતાની ‘આઈ’

અસલ મરાઠી બોલે બાઈ.

ને એવું બેજોડ મરાઠી-

(કે) વાતવાતમાં ખાય ગુલાંટી

માસ્તર હો કે હોય તલાટી—

વગર ગળ્યે ગળથૂથીમાંથી

કહો, બાઈજી બોલે ક્યાંથી?

ગંગા ને જમનાનો તન્મય

પાણી ને પાણીનો સંગમ,

તેવો અનૂઠો ને હૃદયંગમ

વાનગી ને વાણીનો વિનિમય

અહીં રચાયો વારંવાર-

માલ્કમ બાગમાં પડી સવાર.

ગઈ સાંજ જે લગ્નોત્સવની-

દસ્તૂરોના ગુંજારવની,

ખાણીપીણી, મદ્યાસવની,

સાડીના સરસર પાલવની,

ડગલીના કાંજી-વૈભવની,

ફેંટાના બાંકા ગૌરવની,

શત ઉત્સવની, રત ઓચ્છવની,

વાજાના સૂર-ટંકારોની,

મઘમઘતા ગજરા-હારોની,

ઝળહળતા બત્તી-તારોની,

ચકચકતી મોતી-માળોની,

તરવરતી નર્તિત નારોની-

ગઈ સાંજ તે લગ્નોત્સવની,

ગઈ!

રહ્યું રાહિત્ય-

અબોલ ઉજ્જડ અચેત અધન્ય

મંચ, ચોક, ઉદ્યાન, ઓટલો;

ટેબલ પર બે-ચાર બૉટલો

તૂટી-ફૂટી, આભાસ-જન્ય

કોઈ અટ્ટહાસ્ય, ને સૌ શૂન્ય.

દૂર જૂના રાંધણિયા પાછળ

જ્યાં વાસણ ધોવા માટે નળ,

જૂઠાં અન્ન, પડી પતરાવળ,

ત્યાં મંડરાતા, ઘેરી આખો

હો કબજામાં જેમ ઇલાકો,

ગ્રસ્ત-ઉજાણી કાક અનેકો;

સ્થાને સ્થાને સ્પર્ધા-મગ્ન

શ્વાન-દળોની આવનજાવન અંદર-બહાર -

માલ્કમ બાગમાં પડી સવાર.

લઈ બગલમાં ઝાડુ-ઝોળી

મેતર-ગણની ચાલી ટોળી.

નિવાસમાંથી નીકળી ભોળી

ગોમતી ભૂંડી આંખો ચોળી;

કે આંખોમાં ઊંઘ હજી છે?

કે બન્નેમાં બુંદ હજી છે? -

ગઈ રાતની કોઈ દ્વિધાનું,

યાદવની તાંડવ-વિધાનું?

યાદવ ઘરવાળે ઘાલી

એક ઘરે બીજી ઘરવાળી.

પંચ થયા, ખટિયાઓ ઢાળી

યાદવની બબ્બે સ્ત્રીવાળી

હાલત પર બહુ ચર્ચા ચાલી;

દરેક ગુણને દરેક દોષે

તોળી પંચે જુબાં સમાલી:

રાખે બન્નેને હોંશે,

જો બન્નેને પાળે પોષે,

(પણ વાસ્તવ તો વિપરીત થાશે.)

જેણે જે જે કીધું સૌ માફ,

હવે બોલશો નહીં ખિલાફ,

સંપે રહેજો, લિયો ઇન્સાફ.

ચલી ગોમતી ચોળતી આંખ-

રસ્તા તો કરવાના સાફ;

ભરવાના કચરાના ભાર-

માલ્કમ બાગમાં પડી સવાર.

ઝાલી માનો હાથ, સ્કૂલમાં

જવા નીકળ્યાં શીય ભૂલમાં,

તેમ કોઈ વિચારગ્રસ્ત શાં,

અને વળી કોઈ અમનસ્ક શાં,

પાંચ સાત તોફાન-મસ્ત શાં,

ચૌરાહા પર ખડા ભૂલકાં.

આવી બસ ને વહી ગયાં સૌ,

પૂરી કરવા રહી ગયાં સૌ

વાતો ઘરની, ગૃહજીવનની,

સંતાનોની, સહજીવનની;

બંધ ગાંઠ કૈં ખૂલી હજુ ને

ત્યાં લપેટી લઈ રજ્જુને

મનની મનમાં લઈ ગયાં સૌ,

ધીરે ઘર-ગમ થઈ ગયાં સૌ.

કરી કૂકડે ‘કૂકડે કૂ, કૂકડે કૂ’ પર દીર્ઘ પુકાર-

માલ્કમ બાગમાં પડી સવાર.

રસપ્રદ તથ્યો

ગંગા = કામવાળી માટે પારસી શબ્દ, મુંબઈમાં

સ્રોત

  • પુસ્તક : નવનિત સમર્પણ - એપ્રિલ ૨૦૦૧
  • પ્રકાશક : ભારતીય વિદ્યાભવન
  • વર્ષ : 2001