Ratri : Taramandal - Metrical Poem | RekhtaGujarati

રાત્રિ : તારામંડળ

Ratri : Taramandal

દલપતરામ દલપતરામ
રાત્રિ : તારામંડળ
દલપતરામ

આકાશ ઉગ્યા અગણિત તારા

થોડા ઘણા કોઈ પ્રકાશનારા;

ભૂપાળ મોટા તણું રાજ્ય ભાગે,

અનેક ન્હાના નૃપ જેમ જાગે.

જો દૂર દૃષ્ટિ કરીને નિહાળું,

ગ્રહો વિષે ભાનુપ્રકાશ ભાળું;

તે જેમ રાજા બધું ખોઈ નાંખે,

થોડાં ઘણાં ગામ સ્વહસ્ત રાખે.

જુવો વળી મંગળ રંગ રાતે,

જણાય અંગાર સમાન જાતે;

જાણે શશી સૈન્ય વિષે ખપ્યો છે,

તેથી ઘણો ક્રોધ કરી તપ્યો છે,

શની બિચારો ગતિ મંદ ચાલે,

ડરી ડરી મારગ દૂર ઝાલે;

દુર્બિનથી તેની છબી જણાય,

કિલ્લો રચી જેમ રહેલ રાય.

તારા દિસે છે છબિવંત છૂટા,

સાડી વિષે શોભિત જેમ બૂટ્ટા;

રાશિતણાં મંડળ ત્યાં બિરાજે,

સાડી વિષે શું ભલિભાત છાજે.

ઉત્તરે છે ધ્રુવ એક તારો,

તે તો તજી સ્થાન નહિ જનારો;

બને નિશા વાસર યુદ્ધ ખાસો,

જાણે રહી સ્થિર જુએ તમાસો.

આકાશગંગા નભમાં જણાય,

યથાર્થ તે વર્ણવી કેમ જાય;

ભાગીરથી ભૂતળમાં રહે છે,

જાણે અહીંનું પ્રતિબિંબ છે.

સરોવરોમાં પ્રતિબિંબ તારા,

જોતાં સુશોભિત જણાય સારા;

મોતી ગણીને મુખ મધ્ય લેવા,

જતાં જુઓ હંસ ઠગાય કેવા.

આકાશનો ભાસ જળે જણાયો,

શોભી રહ્યો તે નભથી સવાયો;

ખગોળ વિદ્યારથીએ વિચાર્યો,

ખગોળનો સું નકસો ઊતાર્યો.

રસપ્રદ તથ્યો

આકાશ ઉગ્યા અગણિત તારા = ઉગ્યા નભે આ અગણિત તારા. (પાં.આ.)

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002