rasparvani - Metrical Poem | RekhtaGujarati

રસપર્વણી

rasparvani

વિનોદ જોશી વિનોદ જોશી
રસપર્વણી
વિનોદ જોશી
અનુપમ રસરંજન મનભાવન, સહજ પૂર્ણ રસરૂપ,
હૃદયકુંજ અભિલાષ વિલસતો, સકલ વિશ્વ તદ્રૂપ;
કરુણ વીર શૃંગાર રૌદ્ર અદ્ભુત બિભત્સ ને શાન્ત,
હાસ્ય ભયાનક અનુપમ રસનો વૈભવ પુનિત નિતાન્ત...

                          શૃંગાર રસ
મધુમય પરિસર રુચિર પ્રસન્ન અનંગ અંગ પર ધારે,
ઉત્કટ નયનકટાક્ષ કનકકટિ કઠિન ઉરોજ સંવારે;
મદભર અંગમરોડ મદનચકચૂર મધુર મનમુગ્ધા,
કંપિત અધર મિલનઉત્સુક અનહદ આશ્વેષ વિલુબ્ધા...

                           કરુણ રસ
વિરહિત વ્યાકુળ દ્રવિત હૃદય, ઉત્કંઠ ચિત્ત અનુરાગી,
અશ્રુધાર થકી નયન સભર, અંતર પિયુ વિણ વિતરાગી;
શુષ્ક સકંપિત ઓષ્ટ, રિક્ત મન વિવશ દૃષ્ટિ લયલુપ્તા,
અંગ અંગ અવસાદ વિકટ અતિ, પ્રતિપળ વેદનયુકતા.

                         વીર રસ
ઉત્તુંગ ધ્વજ રણવીર રંગ ઉમંગ કટ્ટર કાલિકા,
જયઘોષ દુંદુંભિનાદ શરસંધાન વિઘ્નવિદારિકા
ઉત્સાહમંડિત શૌર્ય અચ્યુત વજ્રભુજ ગજગામિની,
ઉદ્ગ્રીવ ઉન્નતભ્રૂ પ્રહાર પ્રચંડ શત્રુવિનાશિની.

                      રૌદ્ર રસ
અપાર ક્રુદ્ધ ગાત્ર અંગ અંગ રક્તરંજિતા,
પ્રચંડ વેગ તંગ ભાલ રુદ્રરૂપ મંડિતા;
સ્વયં પ્રપાત ભીતરે ભરી સકંપ તત્પરા,
ભ્રૂભંગચાપ ધૂર્ણિતા ધ્રૂજાવતી રહે ધરા.

                            હાસ્ય રસ
સુસ્મિત મુખ પુલકિત નયનન વિહસિત મધુમંજુલ લલના,
દંતપંક્તિ ઉજ્જ્વલ અતિ શોભિત સરજ પ્રફુલ્લિત છલના;
ઓષ્ટપ્રવાલ મુદિત મન નખશિખ પ્રાંજલ પરમ પ્રસન્ના,
વદન સુરમ્ય સકલ આલોકિત શાશ્વત મુક્તવિપન્ના.

                          ભયાનક રસ
કંપિત થર થર ગાત્ર સકલ ભયભીત વિમૂઢ વિવર્ણા,
વ્યાકુળ વ્યથિત યથા અસહાય સુકંપિત લતા સુપર્ણા;
મૂર્ચ્છિત શ્વસન વદન પ્રસ્વેદિત શુષ્ક ઓષ્ટ ભયયુકતા,
ત્રસ્ત કાય વિચલિત વિક્ષોભિત સંભ્રમ શેષ વિમુક્તા.

                              બિભત્સ રસ
મુખે ચૂસતી તર્જની જીર્ણ વેશે, સરે લાળ જીહ્વા થકી અંગઅંગે,
શિરે કેશના ઝુંડ જામ્યા ચિકાશે, વલૂરે નખાગ્રે જુગુપ્સિત ઢંગે;
વિચિત્રા વિરૂપા વિવર્ણા પ્રમત્તા, અતંત્રા સ્વયંભૂ પ્રતાડિત ક્ષુબ્ધા,
મલિન અટ્ટહાસે મરડતી અભંગા, ઘૃણિત કોઈ જાણે વિપથમાર્ગ કુબ્જા.

                   અદ્ભુત રસ
અવાક્ થતી અભૂતપૂર્વ અંગઅંગ વિસ્મિતા,
ઉમંગ સ્પંદ ચક્ષુમાં ભરે ત્રિભંગ સ્પંદિતા;
વિરાટ સ્વપ્નતૃષ્ટિની નિતાન્ત તેજતારિકા,
અફાટ આભમાં સરે અનન્ય દીપમાલિકા.

                    શાંત રસ
પરમ પ્રશાંત નિમીલિત નયન નિમિજ્જિત મુદિત અનંતા,
વિશદ વિશાલ હૃદય મન મધુર ચિરંતર પદ અરિહંતા;
સૌમ્ય હસિત મૃદુ મંદ સુનંદન પાવક પુનિત અનૂપા,
તેજ ધવલ ઉદ્ભાસ નિરંતર શાશ્વત શાંતસ્વરૂપા.

સ્રોત

  • પુસ્તક : ખુલ્લી પાંખે પિંજરમાં (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : વિનોદ જોશી
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.
  • વર્ષ : 2023