rasechchha - Metrical Poem | RekhtaGujarati

રસેચ્છા

rasechchha

કલાપી કલાપી
રસેચ્છા
કલાપી

પૃથ્વી! સમુદ્ર! પવન! પ્રિય ભ્રાતૃભાવ!

જો હોય લેશ હૃદયે મુજ ધર્મ, ને જો

સંધ્યા - પ્રભાત - રવિનાં કિરણો રૂડાંથી

રંગેલ લાલ પડદા નભના સુનેરી,

પુષ્પો પરે ટપકતાં સુતુષારબિંદુ

ને સ્નિગ્ધ પાંખ ફૂલની મકરન્દભીની,

અન્યધારઘોર વિધુહીન નિશાની શાન્તિ,

વા શ્વેત દૂધ સમ રેલ રૂડી શશીની,

ઘેરાં વસંતથી બનેલ મહાન વૃક્ષો,

વર્ષા કરે હરિત નાજુક જે સુગુલ્મો,

ને બર્ફના ઢગ ભરેલ તુષારકાલ

સૌ મને દિલ સમાં પ્રિય હોય, ને જા

કોઈ પશુ ગરીબડું, જીવજન્તુ કોઈ,

વા પક્ષી કો ચમકતું કદિ ન્હોય દૂભ્યું,

હોઉં રહ્યો સ્વજન સૌ ગણી સાથ હું જો,

બન્ધુ! તમે હૃદય રસથી ભરો તો!

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2004