દલપતરામ
Dalpatram
(ભુજંગી છંદ)
રૂડા ઘાટથી રમ્ય બાંધ્યું રૂપાળું,
વળી શોભિતું સ્વચ્છ છે નીરવાળું;
કહે પૂર્ણ પીયૂષ કેરો કટોરો,
તપે જેમ તીર્થોતણે શીર તોરો.
ભગીરથ્થ ભાગીરથી જેમ લાવ્યો,
મહારાજથી એમ આ સિંધુ આવ્યો;
તપ્યા પ્રાણિઓના જુઓ તાપ ટાળે,
ગુણી જેમ ગંગા મહા પાપ ટાળે.
નિધીથી સુધા કુંભ જે નીકળેલો,
હશે એજ આ શું ધરામાં ધરેલો;
હશે બ્રહ્મનો કુંભ જેમાં સુધા છે,
અમી પૂર્ણ કાં તો અખેપાત્ર આ છે.
દિસે સ્વચ્છ આકાર સારો સુહાવે,
વિલોકી વળી એમ વિચાર આવે;
ધરા સદ્ય શું આરસી આ ધરી છે,
મહાલક્ષ્મિને મૂખ જોવા કરી છે.
કરી જુક્તિને વર્તુળાકાર કીધું,
પ્રકારે કરી ચંદ્રનું માપ લીધું;
દિસે જેમ આદર્શ છે દેવકેરું,
પડ્યું પૃથ્વિમાં તે રુડે ઠામ ઠેર્યું.
(વસંતતિલકા વૃત્ત)
ચંદ્ર પ્રભાવ મુખ શર્વરિ બાલિકાનો,
તારાતણો સમુહ મૌક્તિક માલિકાનો;
આ લોક મધ્ય અતિ લાયક લેખવાનું,
શોભીત શ્રેષ્ઠ સ૨ દર્પણ દેખવાનું.
૧. પીયૂષ = અમૃત ૨. પ્રકારે = કંપાસ. ૩. આદર્શ = દર્પણ ૪. પ્રભાવ = પ્રવાલ (પાં.આ.) ૫. શર્વરિ = રાત.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 48)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
