દલપતરામ
Dalpatram
(દોહરા)
જે જગદીશે જગતમાં, રચ્યાં રૂડાં નર રત્ન;
કરિ વંદન તેને કરું, પ્રબંધ રચન પ્રયત્ન.
ધણી ધરાંગધરાતણો, ''રણમલ’’ રૂડું નામ;
રણમલસર તેણે રચ્યું, પરોપકારી કામ,
રચે બાગ કે બંગલા, રચે મહેલ નિજ માટ;
નવાઈ એમાં કાંઈ નહિ, એ તો વહેતી વાટ.
સૌ જનના સુખ કારણે, કીધું જે કંઈ કામ;
ધરણી તળમાં ધન્ય તો, નિર્મળ તેનું નામ.
એવા જનનો જગતમાં, કરવો જશ વિસ્તાર;
આપ્યો મુજને ઈશ્વરે, એ માટે અવતાર.
સમીપ ધરાંગધરાપુરી, ઠાઠ બનાવ્યો ઠીક;
ઉત્તર દિશામાં ઓપતું, રણમલસર રમણીક.
દુર્ગતણા તે દ્વારથી, દિસે કેટલે દૂર;
પૂર્ણ ફૂટ પાંત્રીશસેં, જાણો જનો જરૂર,
ખરચ્યું નાણું ખાંતથી, લેખે ગણી અધલાખ;
તે ૫રમારથ કારણે, સૌ જન પૂરે સાખ.
કરી સારી કારીગરી, કીધું એવું કામ;
રચના રણમલસરતણી, રાચે દેખી રામ.
(ભુજંગી છંદ)
જઈ આજ સારી સરે યુક્તિ જોઈ,
કહું તે હવે જો ધરો કાન કોઈ;
થશો મગ્ન આનંદમાં તૃપ્ત થાશો,
ચિતે નિત્ય તે વાંચવાને ચહાશો.
ભલા પુણ્યના કામમાં રાખી ભાવ,
રચ્યું રાજસાહેબ રૂડું તળાવ;
પુરા પુણ્યનું કામ તે જેમ જાણી,
રચે પર્વ પુણ્યાર્થ પુણ્યાત્મ પ્રાણી,
વિશેષે કરી કામ તે હું વખાણું,
જગાધિપતી રીઝશે એમ જાણું;
વડી પુણ્યની વાત કોઈ વખાણે,
ટળે પાપ તેનું પ્રભૂ પ્રીત આણે.
દયાથી પ્રભૂએ દીધી કાવ્ય શક્તિ,
ભલા ભાવથી તો કરું એવી ભક્તિ;
કરે પુણ્યનું કામ કોઈ વિચિત્ર,
વખાણી કરું મારી વાણી પવિત્ર.
રચ્યું ઈશ્વરે શ્રેષ્ઠ બ્રહ્માંડ આખું,
જુઓ કામ તેમાં બહુ બાકી રાખ્યું;
દિસે જ્યાં ઘણાં માણસોનો જમાવ,
ન કીધાં ઘણાં ત્યાં કુવા ને તળાવ.
(દોહરા)
તે તો પરોપકારિ જન, કરે રીઝવવા રામ;
કવિજન પણ કિરતી કરે, અવલોકી એ કામ.
વર્ણન કરવા મન વધ્યું, તાજું કોઈ તળાવ;
રણમલસર નજરે પડ્યું, ભાળી ઉપજ્યો ભાવ.
વીરમગામે મૂનસર, છે ધોળકે મલાવ;
કાંકરિયા નામે કહું, અમદાવાદ તળાવ.
જોયાં તે જીરણ ઘણાં, ફાટ્યાં તૂટ્યાં તેમ;
વર્ણન એવાં વૃદ્ધનું, કરવું રુચે કેમ.
સરસ સરોવર આ સમે, સૌ જનના સુખ કાજ;
ધર્મ નિમિત બંધાવિયું. રૂડા રણમલરાજ.
વર્ણન કરવા મન વધ્યું તે નિરખી તતખેવ;
કોડે શું વર્ણન કરું, દેશે વાચા દેવ.
સંવત મુનિ શશિ ભક્તિ ભૂ. માઘ માસ સુખકાર;
રણમલસર રુડું રચ્યું, વદિ દ્વાદસી કવિ વાર.
1. સરે = તળાવ 2. મૂનસર = મૂળમાં મોણસર શબ્દ છે. 3. કવિ = શુક્રવાર
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 41)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
