Ranmalsar no Dur thi Dekhav - Metrical Poem | RekhtaGujarati

રણમલસરનો દૂરથી દેખાવ

Ranmalsar no Dur thi Dekhav

દલપતરામ દલપતરામ
રણમલસરનો દૂરથી દેખાવ
દલપતરામ

(ભુજંગી છંદ)

જુઓ દૂરથી યુક્તિ કેવી જણાય,

ગિરી રાજની તુલ્ય શોભા ગણાય;

ઘણાં ઝાડનાં ઝુંડ ઊંચાં વધેલ,

દિસે જેમ માહેશ્વરીનો મહેલ.

વિશેષે જુઓ વડોની ઘટા છે,

તથા તાડની છત્ર જેવી છટા છે;

કહું કેળની કાંતિ કેવી કરી છે,

ધજાઓ રુડી આંગણે શું ધરી છે.

નમે ને ઊંચી થાય આકાશમાંહી,

કરી હાથ ચાળા કહે જેમ કાંહી;

કહે સાનમાં સર્વને મર્મ એવા,

અહો પ્રાણી આવો અહિં દાન લેવા.

બિજાં ઝાડનાં પાંદડાં ખૂબ ઝૂમે,

રુડાં બારણે તોરણો જેમ લૂમે;

સુગંધી શિળો વાયુ સંમુખ આવે;

તહાં માનથી તેડવા જેમ ધાવે.

જુઓ કોકિલા બોલ મીઠા કહેતી,

જનારા જનોને દિસે માન દેતી;

ઝિણા શબ્દ બીજા ખગો ઉચ્ચરે છે,

દિસે જેમ તે વાત કાંઈ કરે છે.

તહાં રંગ લીલે તૃણો ઉગિયાં છે,

બિછાનાં બિછાવેલ શું શોભિયાં છે;

સુશોભીત ઝાડો રહ્યાં ખૂબ ઝૂમી,

રુડી જાણિયે તે રચી રંગભૂમિ.

જુઓ પાણિયારી સ્ત્રીઓ કેવિયો છે,

દિસે શિર ગર્બા ધરી દેવિયો છે;

ઘણા લોકના થોક જાતાં જણાય,

જનો જેમ તીર્થે મળી સંઘ જાય.

જુઓ કોઈ તો કાવડે નીર લાવે,

નિહાળી કવિને ઉરે તર્ક આવે;

દિસે તીર્થવાસી કરી તીર્થ આવ્યો.

જુઓ કાવડે નીર ગંગાનું લાવ્યો.

પશૂ વૃંદ પાણી પિવા કાજ જાય,

મળે વૃંદમાં વૃંદ તો ભીડ થાય;

દિસે જેમ દાતારના દ્વાર પાસે,

રહે ભીડ ભિખારીની દાન આશે.

જુઓ એક ૨સ્તેથી ગાયો અનેક,

દિસે આવતો ઘેરિ ગોવાળ એક:

ઘણા લોકનો એક આચાર્ય જેમ,

ચલાવે જુઓ ધર્મનો પંથ તેમ.

વળી વીચરે ને કરે શબ્દ ગાયો,

સુણી શબ્દ તે તો વિશેષે સહાયો;

તૃષા તો ટળી પૂર્ણ જેને પ્રતાપે.

મહારાજને ગાય આશીષ આપે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002