Ranmalsar ni Udarta - Metrical Poem | RekhtaGujarati

રણમલસરની ઉદારતા

Ranmalsar ni Udarta

દલપતરામ દલપતરામ
રણમલસરની ઉદારતા
દલપતરામ

(ભુજંગી છંદ)

અરે કુવા તું લે ગર્વ એવો,

કહે કોણ દાતાર જે તૂજ જેવો;

નહીં નીર પામે વિના ગૂણવાળો,

રહે છે નિરાશી તૃષાથી દુખાળો.

નિધીને કહો કોણ ઝાઝો વખાણે.

પિવા પાણી મીઠું દે કોઈ ટાણે;

તૃષાતુર આશા કરી કોઈ આવે,

તૃષા તેતણી તો ટળે તળાવે.

અરે સિંધુ તું ગર્વનો છોડ ઘાટ,

ઘણો એવડો શો કરે ઘૂઘવાટ;

અમે તૂજ મોટાની મોટાઈ જાણી,

પિવાને પામે કદી કોઈ પાણી.

કરે નીરનું દાન જે કોઈ આવે,

નિરાશી નહિ કોઈ ત્યાંથી સિધાવે;

નિહાળી મને તો નકી દીલ ભાસે,

લીધો ગુણ શીખી પ્રજાપાળ પાસે.

તપ્યો તાપથી તે તણો તાપ ટાળે,

કરી શાંત આનંદનો ઓઘ વાળે;

ધીરા સજ્જનો શાંતિથી ધૈર્ય આપે,

દુઃખી લોકના દીલની દાઝ કાપે.

સદા સર્વ પામે તહાં નીર પાન,

દયાથી મહીપાળ દે જેમ દાન;

તથાપી કદીએ નહીં નીર તૂટે,

ખજાનો કદાપી નહીં જેમ ખૂટે.

જુઓ નીર પી પક્ષિઓ ઊડી જાય,

દશે દિશમાં વૃંદનાં વૃંદ ધાય;

મહારાજની કીર્તિ સૌને કહેવા,

ગયા ખેપિયા શું જુઓ પક્ષિ જેવા.

ગુણીના ગુણોને દેખે તપાસી,

કદી કોઈએ તે કાઢે નિરાશી;

તથાપી ખરો એક વિવેક આણે,

કરે છે સદા દાન પાત્ર પ્રમાણે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002