manthra - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચૈત્રે રામ-રઘુપતિ અવનિને અંકે પધાર્યા હતા,

જેણે માનવતા જગે મુલવતાં સર્વસ્વ ત્યાગ્યાં હતાં;

ત્યાગ્યાં જાનકીને છતાં સહુ સ્તવે, ના નારી-દ્રોહી ગણ્યા,

દેખી અંતર-ઐક્ય ત્યાગ કરતાં એકત્વ માણી રહ્યાં.

રામને સ્મરતાં સાથે,

મંથરા યાદ આવતી;

ધૂળ શી પૂજ્યના પાયે,

તે યે મંગલકારિણી.

સમુદ્રનું મંથન જેમ કીધું,

ને સત્ત્વ શું માખણ કાઢી લીધું;

તે ચૌદ રત્નો વખણાય વિશ્વે,

પ્રત્યેકમાં સ્વત્વનું સત્ત્વદીસે.

અમૃત કાજ સુરો અસુરે મથે,

નવ હળાહળ કો જીરવી શકે;

ગરલ શંકર માત્ર ગ્રહી શકે,

અવરના નહિ હાથ અડી શકે.

વિષ જો હોત ના આવ્યું, અમીની હોત ના તૃષા,

અમી ને વિષ જાતાં શું રહે જીવનની સ્પૃહા?

ઝેર શી મંથરા વાણી કૈકેયી કંઠ ના ભરે;

તો શું રામ અયોધ્યાથી જઈને વનમાં વસે?

રઘુકુળ શિરોમણિ કદિ નહીં અરણ્યે જતે,

નહીં જનકની સુતા પદ–કુંળા વને માંડતે,

નહીં વિકટ—વાટ લક્ષ્મણ સજાગ સાથે હતે,

નહીં ભરત-ભક્તિની કશી કસોટી વિશ્વે થતે.

સીતા સતી ના વનમાં હરાત જો,

રાવણાદિ રિપુઓ હણાત તો;

હોત કે મારુતિની વિશિષ્ટતા,

વાલ્મીકિની યે હતે વરિષ્ટતા;

મંથરા હોત ના જો તો, રામાયણ રચાત ના,

શ્રેષ્ઠતા, ઇષ્ટતા, શ્રદ્ધા કોની કયાંયે જણાત ના.

સ્રોત

  • પુસ્તક : સોણલાં (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : જયમનગૌરી પાઠકજી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1957