rainar mariya rilkene - Metrical Poem | RekhtaGujarati

રાઈનર મારિયા રિલ્કેને

rainar mariya rilkene

હરિશ્ચંદ્ર ભટ્ટ હરિશ્ચંદ્ર ભટ્ટ
રાઈનર મારિયા રિલ્કેને
હરિશ્ચંદ્ર ભટ્ટ

સમર્પી શું તારી ક્ષણક્ષણ બધી આ જગતને

રગે જેના લોહી મહીં અણુઅણુ મૃત્યુ જીવન.

કહે, દુઃખાનંદે પુલકિત થઈને કવનમાં

પીધો ને પાયો તેં જીવનરસ એનો જ સહુને?

જુવાની શી વર્ષા પ્રથમ વરસે, ને ઝરણ જે

વહે છે તે સૌયે સતત નહિ ક્યારેય વહતા

કુમારા સ્રોતોને રણ-શિલામાં અટકવું

પડે, વ્હે તોડી એ પુનરપિ ’થવા લુપ્ત જ થતા.

અને જ્યારે તારું ઉરઝરણ સૂક્યું તુજ વ્યથા

હશે કેવી જાણું-મુજ હૃદયની એ જ કથની.

ઉનાં આંસુ અંતસ્તલ ઊકળતો અગ્નિરસ એ

સમાવે તે જાણે ધરતી અથવા કો કવિ-ઉર.

રવિ રશ્મિ ફૂલે; ફ્ળ રસ મહીં આ ધરતીના

અનંતાબ્દોની તેં કિરણ-રસ-સમૃદ્ધિ નીરખી.

મનુષ્યોના હાથે નીરખી વળી શક્તિ, ધરતીની

ભરે માટીમાં જે રસકસની સિદ્ધિ અણખૂટી.

‘અજંપે જાગું હું સતત, પ્રભુ! તારે જરૂર જો

પડે તો આવું હું, તુજ તરસ તો હું જ છીપવું'

કહી એવું અર્પે હૃદય શકું એવું જ અરપી

અ-નામીને કિંતુ, શરણ ઉર-દૌર્બલ્ય ગણતો.

ગુલાબી રાતાં વા ધવલ ગુલ પીળાં ગુલ બધાં

ગુલોના પ્રેમી ઓ! સુમન-સુરભિએ મન ભર્યું

અને પિવાડી એ મઘમઘતી ખુશ્બો જગતને

અરે! એનો કાંટો તુજ મરણનું કારણ થયો.

‘વર્ષે વર્ષે જ્યાં ગુલો ખીલતાં ત્યાં

થાયે છોને મૃત્યુ-લેખો કવિના’ –

તારા એ શબ્દ થાઓ જીવન-મરણ આલેખ મારા સદાના.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 116)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004