putrino patr matane - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પુત્રીનો પત્ર માતાને

putrino patr matane

લક્ષ્મીનારાયણ પંડ્યા લક્ષ્મીનારાયણ પંડ્યા
પુત્રીનો પત્ર માતાને
લક્ષ્મીનારાયણ પંડ્યા

છુપાવવું ને તેય માથી ક્યાં સુધી?

પ્રાણનો પુદ્ગલ બન્યો જે પિંડથી,

મા, કહું કે ના કહું? દિલને દ્વિધા વીંધતી,

પણ સ્થાન તારા વિણ બીજું ક્યાં

ઠાલવું જ્યાં વ્યથા?

મા, તેં દીધો વારસો માતૃત્વના ને સ્ત્રીત્વનો,

આજે પુકારે પ્રેમને પંથે પરાધીન થવા.

સૂતેલ શમણાં સ્નેહ કેરાં સળવળે ને સાદ દે.

કોઈ અજાણ્યા ઉરનાં આમંત્રણો આકર્ષતાં,

પણ તાર તારા વ્હાલના વીંટળાયલા વાત્સલ્યથી.

સંસાર મીઠો માંડવા માડી પડે તોડવા.

બે પાસનું ખેંચાણ: જ્યાં કંઈ ખોઈને કંઈ પામીએ;

પહેલું પગથિયું છોડીએ ત્યારે બીજે પ્હોંચીએ.

છે રજા તારી? તને મજુર છે? જાણું નહિ.

ને કહું? શરમાઉં, પૂછું? કયાંક તું રોકે રખે!

મનનો મળ્યો માનેલ ત્યાં રોકાઉં શેં ને ક્યાં સુધી?

પ્રેમ-પરવશતા પિછાની ના શકે મા, પુત્રીની?

છોને પરાયી હું બનું, તારી મટી જાતી નથી,

તું યે પિયરથી એક દી આવી હતી ને સાસરે.

છોડું તને હું તે છતાં વાત્સલ્ય તુજ વાગોળતી

પ્રત્યેક પળ તારી છબી નિરખું છૂપી હૈયા મહીં,

ઉપકાર તારા, ઋણ તારું શી રીતે ફેડી શકું?

આશિષ દે, દીધેલ તે શિક્ષા હવે સાર્થક કરું,

હું બનું આદર્શ ગૃહરાજ્ઞી દિપાવું નામ તુજ,

તારી સ્મૃતિ, દૃષ્ટાન્ત તુજ ઊજાળશે મુજ પંથને.

યાચું ક્ષમા, આપીશને? દોષો જજે મારા ભૂલી,

આખરે છે માત તું ને હું છુ પુત્રી તાહરી.

સ્રોત

  • પુસ્તક : તડપન (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સર્જક : લક્ષ્મીનારાયણ મો. પંડ્યા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1980