putrimaran thi hasato pita - Metrical Poem | RekhtaGujarati

પુત્રીમરણથી હસતો પિતા

putrimaran thi hasato pita

કલાપી કલાપી
પુત્રીમરણથી હસતો પિતા
કલાપી

મનાયું ના હુંથી સુપરત થશે તું મુજ કરે,

અને માતા તારી જગત ત્યજીને સ્વર્ગ વસશે;

મનાયું ના તે તો, પણ બની જતાં માનવું પડ્યું,

અને સોંપાયેલું ધન પણ ગયું આજ સઘળું!

ગઈ ત્યારે તું, પ્રિય! મરણ શું તે સમજતી

નહીં માતા પાછી કદી પણ મળે સમજતી;

અને તારું મોં તો રડી રડી બન્યું લાલ સઘળું,

જોવા તે સામે જરી પણ હતી શક્તિ મુજમાં.

થયું મારું તો જે અનુભવી બધા સમજશે,

કહું શું? રે યાદી ઉચિત નવ લાવવી દિલે!

અરે! વેળાથી હૃદય સઘળું તુજ થયું,

છતાં માની ખામી કદી પણ અરે! ના પૂરી શક્યું.

રોતી તું તોયે દિલ તુજ નિસાસાભર હતું,

અરે! વેળાથી ગરીબ તુજ મોઢું થઈ ગયું;

હતી તુંયે શીખી દુઃખ તુજ છુપાવા ગરીબડી,

છતાં ઊંંડા છાના રમત કરતાં શ્વાસ મૂકતી.

નિસાસા લેતાં ને રમત કરતાં તું સૂઈ જતી.

અને ત્યારે તારું રુદન કરતો મુખ નિરખી;

ખરે, બચ્ચાં પાસે રુદન કરવું પાતક ગણી,

અરેરે! ના ધોયું મુજ મુખ કદી મેં રુદનથી.

હવે તો તું વ્હાલી મુજ પ્રિય તણી થાપણ જતાં,

ઘટે ભૂલી જાવો દુઃખમય ઇતિહાસ સઘળો;

કહે છે 'પ્રીતિ' તે જગત પર તો રાગ બધો,

ખરી પ્રીતિમાં ના કદી પણ રહે કષ્ટભડકો.

ભણ્યો તુંથી આજે પ્રણય કરવા જગતથી,

ત્યજી સ્વાર્થી અશ્રુ પિગળીશ દયાના રુદનથી,

અહીં, ત્યાં સર્વેમાં અનુભવીશ હું પ્રેમમયતા,

વિના સ્વાર્થે ભાગી બનીશ સહુના હું રુદનમાં.

હવે સુસ્તી છોડી લૂછીશ જગનાં અશ્રુ સઘળાં,

બની અંગારો હું ભળી જઈશ દાવાનલ મહીં;

અરે! ઊંઘ્યો ઝાઝું, પણ થઈ પૂરી છે રજની

નવા સૂર્યે પૂર્યું નવીન અજવાળું હૃદયમાં.

હવે જાણું છું કે પ્રતિ ગતિ તણી છે અસર ને,

બધાં બ્રાહ્માંડોને અસર કરનારી પ્રતિ ગતિ;

ગમે તેવી નાની કૃતિ અસર વિના નવ રહે,

ગમે તેવું નાનું જન શુભ બહુયે કરી શકે.

જરા ફેંક્યે ખૂણે અગર વચમાં કોઈ પથરો,

વહે કુંડાળું તે ઉદધિ સઘળામાં નકી નકી;

ભલે ના દેખાયે, પણ અસર તેની જરૂર છે,

મહા તેવી રીતે જનકૃતિ તણીયે અસર છે.

નકી માનું છું કે અસર વળી સર્વે અમર છે,

બ્રહ્માંડોના પ્રલય બનતાંયે કદી ખસે;

રહેશે જે તત્ત્વો અતિ અતિ સૂક્ષ્મ જગનાં,

રહેશે તેમાં અસર સઘળી સૂક્ષ્મ બનીને.

અરે આવું છે તો રડીશ નહિ હું તો કદી હવે,

હવે ના કમ્પાવું કરચલી પડેલા અધરને;

હવે તો જ્યાં સુધી મમ જીવિતનું તેલ બળશે,

અરે! ત્યાં સુધી હું ઘૂમીશ પ્રીતિદાવાનલ મહીં!

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2004