
(૧)
બાર બાર ગયાં વર્ષો રાત્રિઓ પડતાં સૂની,
બાર બાર વહ્યાં વર્ષો વાદળી વરસી ભીની :
બાર વર્ષો થયાં તાત! મૃત્યુના પદડા નમ્યે;
હજીયે ચક્ષુમાં ત્હોયે પ્રવેશો પૂર્વના રમે.
કાલની વીંઝતી પાંખ અનેરા વેગથી ભરી,
નેત્ર મીંચી ઉઘાડું ત્ય્હાં આવે બ્રહ્માંડને ફરી.
નથી તે મેઘનાં નીરે, નથી અન્ધારનાં જલે
ધોયાં કો સ્મૃતિનાં ચિત્રો રંગેલાં પ્રાણપાટલે.
આપ્યા એકાન્ત રાત્રિએ, ને મેઘે રસ સીંચિયા;
એમ જીવનના સર્વે આથમ્યા દિન ઊગિયા.
વસન્તે ને વસન્તે જ બોલે છે બોલ કોકિલા,
આત્મામાં એમ બોલે છે વસન્તે આપની લીલા.
(૨)
પિતાજી! પત્ર ને પુષ્પે એ જ આવી વસન્ત આ :
ટહૌકે છે કોકિલા એવાં ટ્હૌકે છે સ્મરણો, અહા!
આંબાની ડાળ મ્હોરીને, આત્માયે મુજ મ્હોરિયો;
ગાય છે સાધુ ને સન્તો હરિની રસહોરીઓ.
હુંય તે લઈ આ વીણા સ્મરું છું ગુણ આપના,
પુણ્યશ્લોક પિતા! મન્ત્રો જપું છું પિતૃજાપના.
(૩)
વીતતી દીર્ઘ રાત્રિ ને થતો પ્હરોડ દેશમાં,
એ પ્હરોડે ઊગ્યા આશાવાદી અરુણશા.
છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ;
દેવોના ધામ જેવું હૈડું જાણે હિમાલય.
બુદ્ધિ, વૈભવ ને આસ્થા, આશા, રસ, ઉદારતા :
એ દૈવી દીપમાલાનાં અંતરે તેજ રાજતાં.
આપ અમૃતના જાયા, ધાવણે અમૃત દીધાં;
ને તેથી અમૃતમિઠ્ઠાં આપનાં કવિતો હતાં.
ડાહ્યા પુત્ર જ ડાહ્યાના, અંગોઅંગ ઉરે પણ,
મન વાણી કર્મમાંયે, ઝરે નિત્યો ડહાપણ.
વીરા જયકુમારીના, જમાવ્યો જય લોકમાં
ને દીનકરના ભાઈ, પ્રતાપી ભાસ્કરે સમા.
દેવાનન્દે રમન્તા તે દેવાનન્દ ગુરુથી આ
પામીને કાવ્યની દીક્ષા, દીપ્યા દેવકુમાર શા.
ભર્યો ઉત્સાહી એ કંઠ મેઘના સમ ગાજતો,
યશસ્વી વાણીનો એહ પ્રોત્સાહી બોલ આથમ્યો.
શ્વેત વસ્ત્રો સદા ધાર્યા, પ્રાણની શ્વેત પાંખ શાં :
તેજવાઘા સજી જાણે ફિરસ્તો કો મનુષ્યમાં.
નમ્ર ને નમ્રતા ત્હોયે શૈલશી દૃઢતા હતી;
ચાલ ધીમી ધીમી, ત્હોયે ખંતથી વેગીલી હતી.
હાથે પિત્તળપટ્ટાળી શ્યામ સીસમલાકડી;
બાંધી રાખી શું સંકેલી સેના સેતાનની લ્હડી!
પૂર્યાં છે દુઃખ ને પાપ મનુષ્યે જંગમાં રૂડા,
પાડ્યા અન્ધારના પાટા તેજસ્વી વિશ્વમાં વડા.
દીઠું એ સૌ દીર્ઘકાલ, સુધાર્યું સુધર્યુંય તે;
પછી સંસારવાડીથી સંકેલી લીધ દૃષ્ટિને.
બહુ વર્ષો સુધી આપે મૂલવ્યાં મોતી બ્હારનાં,
પછી પારખવા પેઠા આત્માના દરિયાવમાં.
ઘૂમતાં સૌ દિશે ત્હેને ધાર્યાં એક સમાધિમાં,
વાળી બ્રહ્માંડથી ચક્ષુ પરોવ્યાં પરમેશમાં.
વિધિએ ભાગ્યરેખા શું દોરી કુંકુમ-કેસરે!
ઉજ્જ્વળા ભાલમાં એવી રેખા તિલકની તરે.
સ્મિતની સુંદરતાના કપોલે અંકુરો ઊભા :
મધુરાં હાસ્યની દીપે મુખડે મધુરી પ્રભા.
આત્માનું તેજ, વીંધીને રોમરોમ, વિકાસતું,
બ્રહ્મર્ષિ! આપને દેહે બ્રહ્મવર્ચસ્ વિલાસતું.
વેદ જેવા મહાભાવ, દેવ શા દિવ્ય કાન્તિના,
પ્રકાશે પરમાનન્દે એવી અખંડ શાન્તિના.
આદ્ય દ્રષ્ટા આ યુગના, કવિ છો, સૂત્રકાર છો;
ને નવજીવન કેરા ઋષિ છો, સ્મૃતિકાર છો.
ભવિષ્યવેત્તા, આચાર્ય, પેગમ્બર પ્રભુ તણા;
નવીન ગુર્જરરાષ્ટ્રે એ ગજાવી ગેબી ઘોષણા.
ભભૂકી અગ્નિ શા આપે વનો ભસ્મ નથી કીધાં,
ત્હમે વર્ષા સમા વર્ષ્યા, ચન્દ્ર જેમ સીંચી સુધા.
સ્હવારે સાંજરે જેવો તપે ભાનુ દિને દિને,
શીળા શીળે તપ્યા તેમ, દઝાડ્યા નહિ કોઈને.
મહામૂલાં દીધાં રત્નો પૂર્વે જે પૂર્વકાલમાં,
પારખી પારખી તેહ સંરક્ષ્યાં પ્રાણની સમાં.
ને નવયુગની ખીલે પુષ્પે પુષ્પે વસન્ત આ,
સંઘરી પીમળો સૌની તેહનાં મધ સારવ્યાં.
ધીર ગમ્ભીર નેતા, ને દીર્ઘદર્શી ત્હમે ઘણા,
બોધી તેથી દક્ષતાથી ધીરે ધીરે સુધારણા.
વિદ્યા ને સંપના સૂત્રો કલા કૌશલ્ય ઓપતાં,
ને સંસ્થાન સુધારો, ને દેશનાં હિત દીપતાં.
પુણ્યભાવ, સદાચાર, ભક્તિ, ને પરમાર્થ, ને
સાત્ત્વિક સ્નેહના મન્ત્રો, ધર્મ, ઔદાર્ય : સર્વ તે.
વધે સંસારની શોભા, પ્રભા ને પ્રભુતા વધે,
ગાયાં છે દેહ આત્માનાં સૂક્તો ઉન્નતિનાં બધે.
રાજા અને પ્રજા કેરું એક છે હિત, તે લહી,
ઉછેર્યું એ સદા આપે, શીખ બન્નેયને દઈ.
સ્વીકાર્યા સ્નેહી રાજાએ, પ્રજાએ પ્રેમી પારખ્યા;
બે બાહુ અંગના એક, ત્હમારે તેમ તે સખા.
પ્રતિભા, રાજ્યની આસ્થા, ઉજ્જ્વળી દેશભક્તિની
મૂર્તિ આપ હતા મોંઘી, શ્રદ્ધાની અર્ચનાભીની.
પોતાનું માનતા શ્રેષ્ઠ, મુમુક્ષુ પરના હતા;
સારગ્રાહી સદા તેથી સૌમાંથી સાર શોધતા.
પુરાણા સંપ્રદાયોમાં શુદ્ધ, પવિત્ર જે વિભુ,
પરમ ધર્મ ત્હમારો તે સ્વામી નારાયણ પ્રભુ.
દેશીઓમાં વસ્યો દેશી થઈ, તેમાં લીધો રસ,
પરમમિત્ર ત્હમારો જ તે મહાભાવ ફાર્બસ.
જે ન્હાના ભાઈ હિન્દુના, ઇસ્લામી, ખ્રિસ્તી, પારસી,
સૌ શું સ્નેહ લીધો-દીધો, હૈડેહૈડાં હસી હસી.
સહસ્ર ધારથી જેમ વર્ષે છે મેઘની ઝડી,
લોકમાં વર્ષતાં તેમ આપના આત્મનાં અમી.
સિન્ધુ પ્રત્યે વહે જેવી, ઊર્મિઓ નદીઓ તણી,
લોકના હેતનાં પૂર, વ્હેતાં તેવાં ત્હમો ભણી.
સારપ આશિષો વ્હોરી જનોમાં શુભ નામના,
સંચર્યા લઈ સદ્ભાવો આપ અક્ષરધામમાં.
હતાં જીવન ને વાસ સદા મન્દિર-છાંયમાં,
આરતી પ્રેરણા દેતી કાવ્યસ્તોત્રોની આપનાં.
આપે આયુષ્યમધ્યાહ્ન ગાળિયો પ્રભુકાર્યમાં,
અને આયુષ્યની સન્ધ્યા ગાળી ગાતાં પ્રભુલીલા.
દેહના સુરથે સ્થાપી દેહી કેરો મહારથી,
ઇન્દ્રિયોના અશ્વ જોડી, લગામો વૃત્તિની ગૂંથી;
વિવેકસારથી માંડી, અખંડ પ્રભુની દિશે,
ત્હમે કીધી મહાયાત્રા વિશ્વના વિષયો વિશે.
નિત્યે જીવનમાં યોગી, તત્ત્વચિંતક ચિન્તને,
શાણા સંસારી સંસારે, તપસ્વી જ તપોવને.
ભક્તિદેશે મહાભક્ત, કૂંપળો ભાવની કૂંળી,
આપને આંબલે એમ ડાળીઓ સૌ ફળી-ફૂલી.
શું શું સંભારું? ને શી શી પૂંજું પુણ્ય વિભૂતિયે?
પુણ્યાત્માનાં ઊંડાણો તો આભ જેવાં અગાધ છે.
(૪)
ને એવુંયે હતું જ્યારે પડ્યો’તો પિતૃભાવથી,
વિસારી પિતૃપૂજા હું ખડ્યો’તો પુણ્યલ્હાવથી.
બહુ અવગણ્યા, તાત! અસત્કાર્યા, અનાદર્યા;
ને અપમાનને ગારે આ હાથે દેવ અર્ચિયા.
ખીજવ્યા, પજવ્યા પૂરા, કૂમળું દિલ કાપિયું;
ને ત્હમારા દિનો છેલ્લા ઝેર કીધા : સહુ ગયું.
ગયો તે યુગ મસ્તીનો, ઝંઝાવાતો ગયા બધા;
આપના મૃત્યુએ તાત! આછાં નીર ઊંડાં કીધાં.
પાપની મોહિની પેખે, ન ત્હોયે મોહ પામતા,
પુરાણી ને પુણ્યવન્તી, આર્યોની એ જ આર્યતા.
જન્મની વેળ જે આપે સંચી’તી મુજ અન્તરે,
નિભાવ્યો આર્યતાએ એ, ને બચાવ્યો પ્રભુવરે.
ભમે છે આ ગ્રહો આભે, કોઈ ત્હોયે નહીં પડે;
ન છૂટે દાંડીથી, જોકે વીંઝણો રમણે ચ્હડે.
રમીને ને ભમીને હું આવ્યો છું આપ છાંયમાં :
દેજો એ છાંયડી શીળી, દીધી છે જેમ કાય આ.
સૌ અળવીતરાંની એ ક્ષમાઓ તાત! આપજો :
ન જોશો માટીને, દેવા! માનજો પંક પંકજો.
(૫)
અન્ધારી રાત્રીએ ઊંડા શબ્દ હો અન્ધકારના,
બોલે છે ઉરમાં એવા શબ્દ કો ભૂતકાલના.
ડોલાવે આત્મની જ્યોત ઝંઝાનિલો સ્મૃતિ તણા,
પ્રચંડ મોજે ઊછળે એ અવિરામ ઘોષણા.
અદીઠા સિન્ધુની આવે ગર્જના ક્ષિતિજે તરી,
ગર્જે છે પડછન્દા કો એવા અન્તર્ગુહા ભરી.
ઘોરે જેવો મહાઘોરે ઘેરો તોફાનનો ધ્વનિ,
સમસ્ત જીવન કેરો ઘોરે એવો મહાધ્વનિ.
અને એ સ્મૃતિના ઊર્મિ, પડઘા ભૂતકાલના,
ને બધા મૂંઝવે એવા બોલ જે મુજ બાલ્યના.
તે સૌમાં તરતો, જાણે ચન્દ્રમા વ્યોમને જલે,
સુણ્યો આકાશવાણી શો શાન્તિનો શબ્દ એક મ્હેં.
શમાવે પ્રભુના શબ્દો આ કોલાહલ વિશ્વનો,
એ શબ્દે એમ મ્હારોયે શમ્યો પોકાર ઉરનો.
વર્ષી માધુર્ય દેવોનું, અન્ધકાર ઉજાળતો,
પુરાણાયે યુગોને એ ઓળંગી શબ્દ આવતો.
જ્યોત્સનાની ધારમાં જેવો ભર્યો મન્ત્ર સુધામય,
એવો ગેબી સુણ્યો મન્ત્ર : पितृदेवो भव, प्रिय!
(૬)
અધૂરી હા! અધૂરી છે એટલી એકલી ઋચા :
અંકે લે ધરતીમાતા, ભલે માર્તંડ હો ઊંચા.
નથી આશા વિના આયુ, નથી ડાળી વિના ફૂલ;
નથી પૃથ્વી વિના પાયો, નથી માતા વિના કુલ.
હજી તો આભમાં મ્હારા બાળુડો સૂર્ય ઊગતો,
બાળુડા બોલનો ખોળે કાલો કલ્લોલ જામતો.
દીઠો કે ન દીઠો ત્હેં તે, સુણ્યો કે ન સુણ્યો કંઈ,
સંકેલી દેહની માયા વન્દીને વિશ્વને ગઈ.
વીતિયાં સ્હાંજ ને વ્હાણાં તે પછી બહુ વર્ષનાં;
ભૂલ્યો નથી હજી, માતા! હાસ્ય તે તુજ હર્ષનાં.
આભના વર્ણથી આંજી વિશાળી તુજ આંખડી,
આભના ભેદમાં જોતી દૃષ્ટિ તે તાહરી વડી.
ભરેલા ભાવથી અંગે ડોલતી કુલહાથિણી;
ગૃહિણી ગુણવન્તી તું, મ્હોરે ચાંલ્લે સુહાગિની.
સાદી શોભાથી શોભાતી, ધર્મીલી કુલધામની;
શામળે રંગ રંગેલી સેવિકા ઘનશ્યામની.
પ્રારબ્ધી, પુણ્યશાળી, ને પાપપાવનકારિણી;
ધૈર્યગામ્ભીર્યથી ધીંગી, દેવી! તું દુઃખહારિણી.
હેત વાત્સ્લ્યનાં વ્હેણે હૈયાંનું પૂર ગાજતું;
ધર્મમૂર્તિ પિતા મ્હારા, ભક્તિની મૂર્તિ માત! તું
સદા સૌભાગ્યવન્તી, ને સ્વામીસેવાપરાયણ;
વ્રતાળી, શાન્તિથી શીળી : એ જ ત્હારાં રસાયન.
નથી એ વીસર્યો ત્હારી ટૂંકી જીવનની કલા;
વિસારી વીસરે કેમ માતૃવાત્સલ્યની લીલા?
દૂધથી તાહરા ત્હેં જે સીંચી’તી પ્રાણમાં સુધા,
નથી તે ઓસરી માતા! વાધી ઊર્મિ અનેકધા.
ગુર્જરી વાડીમાં એક નદી રેવા અનુત્તમ;
ગુર્જરી વાડીમાં તેમ માત રેવા અનુત્તમ.
ઓ અભિજાત આર્યાઓ! ઓ આર્યો સહુભોમના!
સુણો આ વેદની ગાથા, મન્ત્ર આ પૂર જોમના :
पितृदेवो भव, प्राज्ञ! मातृदेवो भव, प्रिय!
સર્વ કુલાશ્રમો નિત્યો હજો એ ભાવનામય.
(૭)
વિશાળી દુનિયા વીંટી, ઘૂમે છે સિન્ધુ ગર્જતો,
તે સિન્ધુનાં ઊંડાં નીરે મુક્તાપુંજ વિરાજતો :
ઘેરીને પૃથ્વીની પાળો પડી છે આભની ઘટા,
અહોરાત્ર તપે ત્હેમાં તેજના ગોલની છટા :
બાંધી બ્રહ્માંડની ઝાડી તે રીતે બ્રહ્મ રે રેલિયો,
ને બ્રહ્મજ્યોતિમાં નિત્યે પ્રકાશે પુણ્યશાળીઓ.
પામીને તે બ્રહ્મજ્યોતિ, બ્રહ્મનાં તેજ ઝીલતાં,
ખીલે છે પુણ્ય ને પુષ્પે માહરાં માત ને પિતા.
(૮)
ગુણાળી, ગવરી માતા! પૂજ્ય બ્રહ્મર્ષિઓ પિતા!
ધરું છું ચરણે તે આ સ્વીકારો ગુર્જરી ગીતા.
સૌ ઉપનિષદો કેરા ભાવ શી આપ જીંદગી,
ને ઉપનિષદોના સૌ સાર શી આ ગીતા ઝગી.
એ જ સંવત્સરી આજે થયા દેવ મનુ મટી :
પાળું છું પર્વ, પૂજું છું ગુણો તાત! રટી રટી.
ભરી અંજલિ અશ્રુની કરું છું આ હું અર્પણ;
સત્કારો સ્નેહની સેવા, પુત્રનું પિતૃતર્પણ.
અમોલાં બહુયે રત્નો શાસ્ત્રરત્નાકરે તરે;
વીણીને એક મોંઘેરું પુત્ર આ પાવલે ધરે.
સદાયે રીઝવી આપે, સેવી દેવી સરસ્વતી;
આપના પુણ્યથી એહ આ ને આવી થતી કૃતિ.
તો ભૂલી ભૂતની ભૂલો, ભાળીને લક્ષ્ય ભાવિનો;
અમીની આશિષો આપો, ફળે સદ્ભાવ સુતનો.
પૂર્વે જે ભાવથી આપે વધાવ્યો જન્મ માહરો,
આ પરેયે, પિતા માતા! દૃષ્ટિ તે ભાવની કરો.
[શ્રીમદ્ ભગવદ્ગીતા : અર્પણકાવ્ય]



સ્રોત
- પુસ્તક : રસગન્ધા (પૃષ્ઠ ક્રમાંક 224)
- સંપાદક : બાલચન્દ્ર પરીખ
- પ્રકાશક : બાલચન્દ્ર પરીખ
- વર્ષ : 1957