Pushp - Metrical Poem | RekhtaGujarati

પુષ્પ

Pushp

કલાપી કલાપી
પુષ્પ
કલાપી

અહો! મીઠા આત્મા! રસિક કુમળું મોં મુજ હસે.

ફૂલેલા અંગેથી મનહર રૂડો ગન્ધ પ્રસરે;

વસન્તી વાયે છે સમીરલહરી ગેલ કરતી,

રમી તારી સાથે મધુર રવથી જાય વહતી!

શિરે તારે વૃક્ષો નવીન ચળકે કુંપળભર્યા,

સૂતું તું મધ્યાહ્ને સુખયમ રહ્યાં છાંય ધરતાં;

હવે સંધ્યાકાલે કુસુમ સરખી મ્હોરકળીની

કરે વૃષ્ટિ ધીમી તુજ પર ધરી વ્હાલ દિલથી!

સુનેરી દીપે છે નભ પર તરે વાદળ રૂડું,

ડૂબે નીચે પેલું ક્ષિતિજ પર ત્યાં બિમ્બ રવિનું;

તને આલિંગે છે સુકર રવિનાં ચુમ્બન કરી,

તરે તે આકાશે ગરક મકરન્દે તુજ થઈ!

રૂડો જાંબુરંગી સુરસ રસ સંધ્યા સલુણીનો,

ધરી પ્રીતિ હૈયે તુજ પર અભિષેક કરતો;

ગુલાબી પાંખો આ, સુમન! તુજ તેજે ચળકતી,

દિસે તું સાક્ષાત્ પ્રણય, રતિ, ને મૂર્તિ સુખની!

અરે વ્હાલા! વાશે પવન અધિકો ઉષ્ણ બળતો,

હશે કાલે વા તુજ તરફ ક્રૂર ધસતો;

તને ચિન્તા ના ના! સુભગ તુજ હૈયું સુખભર્યું!

તને ના સ્પર્શે કો વિષમ દુઃખ ક્રૂર જગનું!

સુખી સંસારે સુખમય નહીં કો તુજ સમું,

અમારે આનન્દે દિલ પર રહે છે દુઃખ છૂપ્યું;

દુઃખી જો ઓછું તો સુખ બસ થયું એમ ગણશે,

બિચારું ભોળું મનુજ સુખ પૂરું સમજે!

અમારાં મીઠાં તે રુદનમય છે ગીત સઘળાં,

દુઃખે શીખેલાં કવિદિલ શિખાવે દુઃખ બધાં;

નિદ્રામાંયે છે પરમ સુખ-વિશ્રાન્તિ અમને,

બૂરાં સ્વપ્નો આવી જનહૃદયમાં કંટક ભરે!

આનન્દે તારા બિલકુલ હશે ધ્વંસ કદીયે,

ઉદાસીની છાયા તુજ દિલ પરે ના રજ વસે;

કરે છે પ્રીતિ તું, સરવ તુજ પ્રેમે ખુશ રહે,

અતિતૃપ્તિની તું સમજ નહિ પીડા પણ ખરે!

સુખી આત્માનું ને પ્રણય જગ ને મૃત્યુ ભવનું,

હશે ઊંડું સાચું તુજ હૃદયમાં જ્ઞાન વસતું;

જે જાણે છે કે મગજ કપટી મર્ત્ય જનનું,

નહીં તો આવું તું સુખભર રહે કેમ ખીલતું?

જાણું તું શું છે? તુજ સમ હશે શું જગતમાં?

તારા જેવી મેં નીરખી ખુશબો કો કુસુમમાં;

નહીં તું પૃથ્વીનું, સમ મુજ, કહે, ક્યાં અવતર્યું?

વસ્યું'તું કૈલાસે? શિવશિર પરેથી સરી પડ્યું?

તું સ્વાર્થી ને ના કૃપણ તુજ હૈયું જન સમું,

ગ્રહી આશા તેથી હૃદય મમ કુંળું તુજ કર્યું;

મને દે તું દીક્ષા, મધુપ તુજ વ્હાલો કર મને,

અભેદાનન્દો હું શીખવીશ પછી જગતને!

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2004