priya kawitane - Metrical Poem | RekhtaGujarati

પ્રિયા કવિતાને

priya kawitane

કલાપી કલાપી
પ્રિયા કવિતાને
કલાપી

મને વ્હાલી લાગી, પ્રથમ મળતાં હું તુજ થયો,

હસ્યું તારું મોં, ને તુજ સ્મિત મહીં હું મળી રહ્યો;

તને ભેટું એવી મમ હૃદય ઇચ્છા કરી રહ્યું!

વળી તારાં નેત્રો અનુકૂલ દીઠાં ને ચળી ગયું.

અરે! તું તો દેવી, જન ગરીબ હું પામર નકી,

શકું જોઈ હું ક્યમ હૃદયની તે તુજ દ્યુતિ?

ઢળ્યાં મારાં નેત્રો વળી, પ્રિય! તુંયે દૂર ઊભી,

પડ્યું હૈયું તો પણ લપટી તારા પદ મહીં.

સ્વીકાર્યો તે મુજ પ્રણય ને કાંઈ હું પાસ આવ્યો,

ખોળે તારે હૃદય ધરવા કંપતું પાસ લાગ્યો;

ભેટું માની કર પણ કર્યો દીર્ઘ મેં એક, વ્હાલી!

કિન્તુ તું તો નભ તરફ, રે! ઊડતી ક્યાંય ચાલી!

જોયું ઊંચે! કયમ ઊડી શકું? પાંખ આવી હતી ના!

‘તું ક્યાં હું ક્યાં!’ હૃદય દ્રવતું છેક તૂટી પડ્યું આ;

રે રે! ત્યારે પ્રતિકૂલ હતો સર્વ સંસાર, વ્હાલી!

મૂર્છા આવી નિરખી દિલની ભાંગતાં આશ છેલ્લી. ૪

પછી તારો જાણી મમ શિર લઈને તુજ કરે

મને તું આલિંગી! ભ્રમણ સહુ ભાંગ્યું હૃદયનું!

ફર્યો ઊંચે નીચે અખિલ ભુવને હું તુજ સહે,

અહો હર્ષે હર્ષે હૃદય મમ ફૂલી ધડકતું! પ

પછી ધીમે ધીમે તુજ અવયવો પલટતા,

મને ભાસ્યા સર્વે વધુ મધુર ગંભીર બનતા;

મને કૂંચી આપી મમ હૃદયની ને જગતની,

અને તાળું ખોલી તુજ મુખ નિહાળ્યું ફરી ફરી! ૬

શું? શું? નયન વહતાં અશ્રુનું પૂર શું?

હૈયું મારું પીગળી બનતું મીણ કે નીર જેવું!

ત્યાં બ્રહ્માંડે નજર કરતાં અશ્રુમાં વિશ્વ ન્હાતું!

ઓહો! વ્હાલી! પ્રલય જગનો અશ્રુથી થશે શું? ૭

તારાં અંગો, તુજ અવયવો, ઓષ્ઠ ને ગાલ સર્વે,

જ્યાં જોઉં ત્યાં જલમય વહે અશ્રુની ધાર, વ્હાલી!

‘જો જો વ્હાલા! મુજ સહ રહી છે માણવાનું!

શું બોલે? ભવતુ! સખિ તું આમ રોતાંય, વ્હાલી ૮

અરેરે! શોખની ચીજો રડે ને રોવરાવતી!

હોત ના અશ્રુ તો ઓહો! પ્રેમ ને શોખ હોત ક્યાં? ૯

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ