નર્મદ
Narmad
(દોહરા-રાગ સિંધુડો)
પ્રીતક્ષેત્ર રણક્ષેત્રની, રુડી સૂણવી વાત;
પ્યારી તે તેં સાંભળી, જાત કરી રળિયાત.
પણ નવ સંતોખાઈ તૂં, ઉલટિ વધારી હોંસ;
જઈ પડી સંગ્રામમાં, જિતનો રાખ્યો સોસ.
જિત તો આડી નીકળી, જખમો લાગ્યાં ખૂબ;
મથી બહૂ પણ રે પડી, પણ વિરલૂં તુજ રૂપ.
સાહસને જન નિંદતા, પણ તૂં નવ પસ્તાય;
કુદરત પુજતાં તપથકી, પુન ને સારુ જ થાય.
ધન ધન ધન છે તૂજને, પાળે બોલ્યો બોલ;
પ્રેમમસ્ત ઘાયલ ગળી ખરૂં કર્યૂં મેં તોલ.
ચકોર ને ચતુરા છતે, કદી ન ચંચળ થાય;
દુખમાં પણ તૂં માનિ સુખ, રણસિંગડાંને ચ્હાય.
રણસિંગડાંને સૂણતાં, જોમે ઉઠવા જાય;
ટાંકા તૂટે જખમના, પાછી પડી રિબાય.
તાવે ધીકે હાડ ને, દિલમાં બહુ મૂઝાય;
જોભો છૂટે પ્રેમનો, ત્હારે થંડક થાય.
ધન ધન ઊંચી જાતને, ધન ધન ઊંચો ટેક;
ધન ધન બ્હાદુરિ તાહરી, ધન ધન પ્રીતી નેક.
રણમાં મરવૂં ધીટ થઈ, અંમર કરવી કાય;
એ દુર્લભ છે જંનને, જગતને કીરતી ગાય.
જગત ગાય તો પીયુ તુજ, કેમ ન ગાયે પ્રાણ?
રડી ભેરવીસૂરમાં, મરે એવિ પ્રિતઆણ.
ઉત્તમ નાયક નાયિકા, પ્રેમાનંદ સ્વરૂપ;
શીવ શક્તિ સમજી જગત, નિત્ય કરે છે ધૂપ.
