priti tire vindhaya mann, o dardi dukhiya - Metrical Poem | RekhtaGujarati

પ્રીતી તીરે વીંધાયા મંન, ઓ દરદી દૂખીઆં

priti tire vindhaya mann, o dardi dukhiya

નર્મદ નર્મદ
પ્રીતી તીરે વીંધાયા મંન, ઓ દરદી દૂખીઆં
નર્મદ

પ્રીતી તીરે વધાયા મંન, ઓ દરદી દૂખીઆં;

રૂઝે ઘા નહીં ખરચે ધંન, થવાએ ન સૂખીઆં.

ઘા તે પૂરો રૂઝાએ વ્હેલ, પ્રેમી મળે તાહરે;

તોએ ઓસડ દાખવૂં સ્હેલ, થોડૂં દૂખ વીસરે.

પરતંત્ર હોએ જે કામ, તેમાં હાથ ઘાલવો;

રહી એકાંતે નિજ ધામ, નહીં કાળ ગાળવો.

રહેવૂં એકાંતમાં મન થાય, વાંચે દરદી ગ્રંથને;

પછી બીજા જો વંચાય, વાંચો રાખી ખંતને.

મિત્ર પાસ કરો વળી વાત, રડી છાતી ખોલવી;

કથા વેરાગની નીત રાત, સૂતી વેળા સૂણવી.

કરો મુસાફરી ધન હોય, નહિં તો ગામ પાદરે;

જુઓ વન તરૂ પર્વત સ્હોય, નદી દરીઓ ખરે.

વળી આકાશ ગંભીરમાંહે, મેળાવી દો મંનને;

જુઓ પંખી બોલતાં જાંહે, સુણો મીઠાં ગાનને.

જગનો જાણીને નીમજ એમ, ધીરાં પડો સમજણે;

હોય સરજીત તે ટળે કેમ, માટે મૂકો શોકને.

મ્હારી વાત કહૂં હૂં નર્મ, વ્હાલાવીનાનો દુખી;

ઉભરે કહાડી દિલના મર્મ, મથૂં છું થવા સુખી.

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ