prithwine - Metrical Poem | RekhtaGujarati

સ્રષ્ટાની તારિકા જે ખગોલે,

આશાની તારિકા માનવોની!

સ્રષ્ટાનાં સૌ જ્ઞાન, વિજ્ઞાન, પ્રેમ,

તારે હૈયે, માનવી ઝંખતો જે.

વર્ષાસ્નાને ગંધવાહી થતી તું,

ખેડી તુંને આર્ય હું થાઉં, પૃથ્વી.

સંતાનોની તું માતા ધરિત્રી

નારી, ધાત્રી, તું શ્રી, દ્યૌપ્રિયા તું.

પાતાલો ને સ્વર્ગની મધ્યમાં તું,

તારે હૈયે અબ્ધિની ઊર્મિ લ્હેરે.

તું વ્હેનારી પોઠ લાખો યુગોની,

ઉત્ક્રાંતિની તું જોનાર એક.

નક્ષત્રોનું ભાન જાગે અમોને

પૃથ્વી તુંથી; સ્થાવરે શ્રેષ્ઠ તું છે,

પૃથ્વી, તું છે નીડ સૌ જંગમોનો.

લાવા તું છે, તું ગિરિ, હેમ તું છે,

તું છે રત્નો, ધાતુ ને સૌ ખનિજો

વિજ્ઞાનોનું દ્રવ્ય તું છે અમૂલ્ય.

પરમાણુમાં ચેતના જોઈ જોઈ,

વિજ્ઞાનોનાં જ્ઞાન ફેલાય સંધાં.

તત્ત્વોનો છે તું આધાર એક,

તારે પાત્ર છે રસો વિશ્વના સૌ.

ધાન્ય છે તું, પત્ર પુષ્પે ફળે તું.

સૂર્યપ્રેરી ફૂદડીઓ ફરીને,

ફેરે ફેરે રાત્રિ-દિનો-ઋતુના

રંગોની તું ચૂંદડી પ્હેરી શોભે.

તેં સંચ્યાં છે માનવીઅસ્થિ મોઘાં,

સૌ અંતોમાં મૃત્તિકા! ભાગ તારો.

બ્રહ્માંડોના વૃક્ષનું તું સાચે

સ્રષ્ટાનું છે એક આશ્ચર્યપુષ્ય!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004