પૃથ્વી
prithvi
રસિકલાલ છોટાલાલ પરીખ
Rasiklal Chhotalal Parikh
રસિકલાલ છોટાલાલ પરીખ
Rasiklal Chhotalal Parikh
દીસે છ જડ શાંત આ ૫ડ વિશાળ પૃથ્વી તણું,
તથાપિ રસ રુદ્ર એ પડ તળે ઘૂમે તાંડવે.
અને ઘૂમી ઘૂમી મદે ૫ડ બધાંય ભેદી, મહા
ફલંગ નભશું ભરે જટિલ રુદ્ર જ્વાલામુખી.
સખે, હૃદય એમ આ જડ સમું ભભૂકી ઊઠે;
અને ગહન ચિત્તથી અનનુભૂત લાવા જળી
દહે મૃદુલ ભૂમિકા સકલ માનવી ભાવની;
રહે ન અવશેષ કો સ્મરણબંધ એક્કે બચી.
નિહાળી નિજ ભસ્મને ક્ષિતિજ પાર જોવા મથું;
વિચારું : 'કદી ભસ્મથી નવ ચિદંશ જાગ્યો હશે?'
ત્યહીં વિહગ કો વદે, 'સ્વતનુખાખના પુંજથી,
નિહાળ. નવયૌવને અજર પાંખ મારી ઊડે!'
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 89)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
