priyano shok - Metrical Poem | RekhtaGujarati

(હરિણી)

પ્રિયતર બધી વા’લી વસ્તુ અપાર વિલાસની,

કમળનયને! શાને માટે અકારણ તેં તજી;

સરળ હૃદયે શાથી તારા વસી અદયાળુતા,

કમળ દળમાં શોભે કે’ શું કદીય કઠોરતા?

શ્રવણ પુટમાં મારા આજે નવાં સમ લાગતાં,

વચન તુજથી નાનાસંગે વરોરુ! વદાયલાં;

વળિ વલયનાં, કાંચીનાં, ને પદાભરણોતણાં,

રણિત રમણી! ભૂલાવે છે મને અવરોધમાં.

અવિરલ લીલા લાંબાં પિચ્છે મનોહર લાગતાં,

ગહન વનમાં તાપિચ્છોના પ્રતિધ્વનિ પાડતાં;

વિલસિતસખી સાથેનાં તે સુંગાત્રિ! પરર્તુમાં,

ક્યમ કરી તેં જોવા ઇચ્છા વનીત મયૂરનાં?

નયન પથમાં તો શું આવે હવે કદિયે પ્રિયા–

મુખ સુઘટના, ગાત્રોકેરી વળી સુકુમારતા;

લિખિત વિધિએ હોશે મારા લલાટવિષે હવે,

મનન વિષયે તાદૃક્ સર્વે કરી રડવું અરે!

સુતનુ! ભવન દ્વારે દ્વારે સહસ્ર દલામ્બુજો,

શુભ સમયમાં આલેખી તેં લા’વ પુરો કર્યો;

ક્યમ, ભવનની લક્ષ્મી જેવી, સલજ્જ ગુરુજને,

કદી નિરખી બેઠેલી તે પરે સુભગે! તને.

(વૈતાલીય)

પરલોક વસી પરન્તુ તું, ગુણ તારે સઘળે ગવાય છે;

ઋતુરાજતણા અભાવમાં, અતિમુક્તા સુરભે સ્મરાય છે.

મમતા મમતાળુ શું સજી, સુભગે! શુભ ગેહને તજી;

સમતા તમ તાહરી હજી, મનથી કેમ નથી જતી તજી

મણિ મન્દિર વાટિકાદિ ને, વળી ચામીકરશા સુંદેહને;

તજી કેમ વસી વિલાસિનિ! પ્રણયીનાં હૃદયો વષે જઈ?

શુભ વર્તન ને પ્રથાવડે, અજવાળી ઉભયે કુળો પ્રિયે!

ગુણથી ઇહલોક, આત્મથી, પરલોકે, દ્વય લોકમાં રહી.

દુઃખ કાળ સમું તને થતું, રજની એકતણા વિયોગથી;

તદપિ ક્યમ માન્ય તેં કર્યો, રમણી! વિર્હ યુગાન્તનો હવે,

શિશુ મધ્યવયસ્ક વૃદ્ધ વા, ગુણી છે પૂજ્ય સદાય સર્વને;

પરમેશ્વરનેય પ્રીય તે, સમજ્યો આજ હું તે ખરેખરે.

યતિગમ્ય યથેચ્છ જ્ઞાન જે, સખિ! “સંસાર અસાર છે” યથા,

ક્યમ બાળવયે વરોરુ! તે, સહસા પ્રાપ્ત થયું તને તદા.

ઘણીવાર ઘણીક વાતમાં, સમજાવે સમજી નહીં હશે;

સમજી ક્યમ જ્ઞાન વીણ તું, “સઉ સંસાર અસાર” એમ તો?

કરભોરુ! કદા લાવતી, મનમાં રીસ તથાપિ સમે,

કરી કોપ કઠિણ કારમો, ક્યમ મૂક્યો મુજને સુને ભવે?

ક્યમ તું મનમાં ધરે નહીં? વિલપું છું દયિતે! તદા ઘણું;

સુખ તે ક્યમ હા! ભુલાય જે, તુજ સંગે અતિશે અનુભવ્યું?

અયિ રાજીવલોચને! જરા ભવના દુઃખ વિસારતી હતી;

સહસા મૃદુ વાણી તારી જે, સુભગે! તે હું સુણીશ શું નહીં?

ક્યમ શૈશવના વિલાસને–ભુલી હે ભામિનિ! ભાગ્યહીણ આ,

બુડતો ભવસાગરે મુકી, પતિને તું પરલોકમાં વશી.

ગુણ શે તવ ગોરિ! વીસરે? વળિ શે હા વિસરે પ્રીતિ ભર્યાં

અતિ ઉત્તમ સારગ્રાહિ જે, કથનો તેં હરનીશ છે કથ્યાં?

ઘણી વાર વિચાર થાય છે, ભવસંબંધિ વયસ્ય વર્ગમાં

સતત પ્રમદે! સ્મરાય છે, ગુણ તારા અનુકૂળ ધર્મમાં.

પરણી પ્રથમ પ્રસંગથી, અતિ ઘાડો નય તેં વધારિયો;

ક્યમ તે વધતા પ્રવાહને અધમાર્ગે સહસાજ રોકિયો.

પતિને પ્રભુ તુલ્ય માનતી, સત પંથે હરનીશ ચાલતી;

સુખ દુઃખ સમાન જાણતી, ગુણ એવા વિસરાય ના સતી?

સ્રોત

  • પુસ્તક : કાવ્ય પીયૂષ (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સર્જક : મણિલાલ છબારામ ભટ્ટ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1911