naritwni purnimaye - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નારીત્વની પૂર્ણિમાએ

naritwni purnimaye

રતિલાલ છાયા રતિલાલ છાયા
નારીત્વની પૂર્ણિમાએ
રતિલાલ છાયા

(મિશ્ર)

વસન્ત કેરી રસપૂર્ણિમાએ

જ્યારે બની મત્ત નિધિ ઉછાળતો

અમોઘ પૂરો નભ આંબવાને,

અને મથન્તો વિધુનાથ ભેટવા,

હઝાર હાથે ઉરના તરંગે,

રહે તથાપિ દૂર એટલો, સખિ,

મળે બન્ને રસદર્શને છતાં

માણે હૈયે પ્રેમની નેત્રલીલા;

તારાં મારાં મત્ત ક્રીડનોનાં

નથી ગાવાં ગીત માહરે, સખિ! 10

આંહી નથી ફૂલડાળ, વ્હાલી,

જેને અઢેલી રસસૃષ્ટિ સર્જતાં,

જતાં હતાં આપણ બેઉ ચાલતાં;

ને વાયુની મેદ થપાટ લાગતાં

નાચી ઊઠંતી મદમસ્ત વેણી,

ઝૂલી રહેતી મૃદુ નર્તનોએ;

નાચી જતી મંજુલ ઉર-પાંદડી;

ને શુભ્ર પાલવમાં સમીરનાં

તુફાની મોજાં રસ-રેખ પૂરતાં,

બનાવી દેતાં તુજને સુવર્ણા

સૌંદર્યમૂર્તિ નવ ઊર્વશી શી!

તે યાદ છે દિન આપણો, સખિ?

નથી નથી સ્મરણો જગાડવાં

ચાંચલ્ય કેરાં નવયૌવને જડ્યાં;

આજે મારે નવ્ય જિંદગીમાં

ગાવાં ગીતો પ્રેમની સ્વસ્થતાનાં. 26

આવે જ્યારે દાદરે આજ તેડી

રૂપાળી મૂર્તિ નિજ બાલ કેરી,

જોઈ રહું મંગળ દેહ-યષ્ટિ,

વાત્સલ્યભાવે નમણી બનેલી;

લચેલ ગ્રીવા, ગંભીર નેત્રો,

પદે વસી હંસીની ચારુ સ્વસ્થતા;

ભાલે ઊગેલો સૌભાગ્ય ચાંદલો,

અને પગે સ્વર્ણની રેખ જેવી–

આછી લકીરે અળતાની શોભતી;

પ્રપૂર્ણ નારી તણી ભાવમૂર્તિ હે!

પ્રશાન્ત કાન્તિ ચિર પૂર્ણિમાની

મુખે લસી ન્યાળી રહું, સખિ, ઘડી

તારી કલાની ઋજુ સ્થાયી લીલા,

અનસ્તઆભા, સ્થિરભક્તિની પ્રભા. 40

આજે ભર્યો છે ઉરઅબ્ધિ પૂરો,

ભર્યો છતાં પૂર્ણ રહેલ માઝા;

વાત્સલ્ય-પાળે ઊભી એકલો ત્યાં

અડોલને સ્વસ્થ નિહાળી હું રહ્યો;

સખિ! તમારી વિધુમુખ મૂર્તિની

ઝીલી શુભા સાત્ત્વિકી પ્રેમઆભા;

અને વિચારું સ્મરણો જગાડતો–

ચાંચલ્યે જે પ્રેમની દીપ પેટ્યો

ધ્રૂજીધ્રૂજી વાસના વાયુએથી

અનેકવારે સ્થિર આખરે થયો;

ધીમેધીમે એહ વિસ્તાર પામી

બન્યો મધુરો શશી પૂર્ણિમાનો–

પ્રસન્નને શાન્ત પ્રપૂર્ણ જ્યોત શો,

જેને અપેક્ષા દીવેલ, સૂત્રની

વહાવવા શાશ્વત પ્રેમચાંદની. 55

સ્રોત

  • પુસ્તક : સોહિણી (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સર્જક : રતિલાલ છાયા
  • પ્રકાશક : ભારતી સાહિત્ય સંઘ લિમિટેડ
  • વર્ષ : 1951