
પર્ણ તરૂની ટોચ પર ઝળકી થયાં ઝાંખાં હવે,
અથડાય ગામ સમીપનાનો મંદ કોલાહલ શ્રવે;
ગગનમાં લાગ્યા જણાવા સ્પષ્ટ ધીમે તારક,
અંધારી પ્રસરી ગાઢ જામી ગઈ રાત ભયાનક.
ચન્દ્ર નાનું નાવડું આવ્યો હતો સાથે લઈ,
કઈ દૂર જોતામાં ગયો એ દ્રષ્ટિ પથથી નીકળી;
શાંતિ દેવી આણ નિજ સર્વત્ર વર્તાવી રહી,
ઝીણે સ્વરે કંસારી તમરાં ગાય છે મહિમા મળી.
***
ભાગ લૂંટનો સમજી લેવા જાણી સ્થાન નિગૂઢ,
પાણીદાર સજીને શસ્ત્રો આવ્યા અશ્વારૂઢ;
ભોજન પાન કરીને બેઠા લેવા સઘળા વહેંચી,
થતાં બોલવું માંહો માંહે કંઈ તલવારો ખેંચી.
ક્રુદ્ધ એક બીજા પર લાગ્યા હથીઆરો વાપરવા,
કારણ પણ જાણવા કલહનું કોઈ કરે ના પરવા;
સણ સણ કરતી બંદુકમાંથી આવે ગોળી છૂટી,
અવયવ ભૂમી ઉપર જઈ પડતાં ખડ્ગપાતથી તૂટી.
બૂમ પાડતા યોદ્ધા ધસતા ઉછળે હય હણહણતા,
ઢાલ સાથ અફળાતાં ખાંડાંને ભાલાં ખણખણતાં;
ઝખમી સખ્ત થયેલ તે પણ નહિ પાછો હઠનાર,
ખૂન ભરાયું આંખ મહિં ઘૂમે કરતો સંહાર.
શરીરમાંથી શોણીત ધારા ઉડે ફુવારા પેઠે,
થયેલ ઘાયલ મૃતપ્રાય થઈ કઈ કચડાતા હેઠે;
ભરાઈ બેઠો હતો ધ્રુજતો ત્યાં મસ્તક મુજ છાતી,
ઉપર પડ્યું આવીને જાગ્યો ચોંકી નિદ્રામાંથી.
***
વ્યોમમાં ચળકંત તેજો રાશી તારા ઝુમખાં,
ને વિરલ તેમાંથી ઉંડા જળ મધ્ય ઉતરી નાચતાં;
સર્પ નિદ્રાવશ વિહગને પકડવા વૃક્ષે ફરે,
પાંખો થતી ફડફડ, રૂવે છે કોઈ ને કરૂણ સ્વરે;
ઝાડ પર વીંઝાય છે ડાળી ખડખડ થતાં,
આવે સપાટો પવનનો કે ભોય સૂકાં પાતરાં.
વાડ પાસે થોરની તેમાં લપાઈને રહ્યું,
શીઆળ શીત અસહ્ય લાગ્યે રૂદનને લંબાવતું.
શબ્દ જળમાં વન્યપશુના પાન કરવાનો શકે,
ને શ્વાન ભસતાં ગામમાં ભેદે નિશાના કર્ણને.
શૂન્ય છે ખંડેર સામે ઘૂવડ તેમાં ઘૂઘવે,
પડઘા ભયંકર નાદના ઊંડાણમાંથી ઊછળે;
દૂર ખેતરમાં બળે છે એક નાની તાપણી,
ખેડૂત પાડે ગગનભેદી ચીસ તીણી કારમી;
વાર ચારે પાસ ભયનો અંધકાર પ્રસાર છે,
હા એકલો અરણ્યમાં બેલી તું જ્ગદાધાર છે!
***
આવ્યું એક મનોહરદર્શન રમણી વૃંદ વિલાસી,
જોતાં એમ પ્રતીતિ થાય છે કે સુરલોક નિવાસી;
ધારણ નાના વિધ કીધાં છે ભૂષણને પરિધાન,
કીધો ગાવાનો પ્રારંભ મધુર અદ્ભુત સંગાન.
મૃદુ કરતલથી તાળી પાડે ને લ્હેકાતી ચાલે,
ગાતાં હસતી મંદમંદને સુરખી રમતી ગાલે;
ચક્ષુ, કર્ણ કે ચિત્ત ન તાબે, છે સર્વ પરાધીન,
આનંદે એ રસમય ગાન વિષે ઝીલતો વિલીન.
ગીત થયું પરિપૂર્ણ અને વ્યાપી ગઈ પાછી શાન્તિ,
જોતામાં અપ્સરા સમૂહ તણી બદલાઈ કાન્તિ;
વિરૂપ કેવળ અને ભયંકર છે સૌના આકાર,
બિહામણું હસતી ત્યાં મોટા દાંત જણાતા બહાર.
બધી એકઠી થઈને આવી છેક નિકટ મુજ તીરે,
અનુક્રમે પડતું મૂકે અંદર ઉંચેથી ધીરે;
જવથી ધબકે હૃદય અને શીતળતા આખે અંગે,
આ શું કૌતુક એમ ઉઠીને વિચારતો મન સંગે.
***
રાત્રી ગઈ ઝણણાટ કરતી પાંખ ફફડાવી ઉડી,
અંધારુ થયું આછું નભે ઝાંખી થઈ તારાદ્યુતિ;
લલિત રેખા રક્તિમાની શોભતી પ્રાચી મુખે,
પારાવતો કલ્લોલ કરતાં ઊડતાં અંદર સુખે.
એક મચ્છર છેક કાન નજીક મીઠું ગણગણે,
ઉલ્લાસમાં આવી કપોતો ને મધુર શબ્દો કરે;
વાસ લીલા ઘાસની ને. છોડ કેરા ધાન્યના,
શીળો સમીર પ્રસારતો ને ક્ષુબ્ધ પાણી હાલતાં



સ્રોત
- પુસ્તક : શાપસંભ્રમ અને બીજી કવિતાઓ (પૃષ્ઠ ક્રમાંક 37)
- સર્જક : નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ
- પ્રકાશક : ધી સાહિત્ય પ્રકાશક કંપની, લીમીટેડ
- વર્ષ : 2008
- આવૃત્તિ : (પુનર્મુદ્રણ)