prabhustuti - Metrical Poem | RekhtaGujarati

પ્રભુસ્તુતિ

prabhustuti

દલપતરામ દલપતરામ
પ્રભુસ્તુતિ
દલપતરામ

(ત્રિભંગી છંદ)

જય પ્રભુ પ્રખ્યાતા, પદપંકાતા, સુગુણિ ગણાતા, ગુણજ્ઞાતા,

તું ભગિની ભ્રાતા, દિલ અવદાતા, શુભ શોભીતા, સાક્ષાતા;

જય વિશ્વવિધાતા, અલખ લખાતા, મુક્ત મનાતા મુદમાતા,

જય જય જગત્રાતા, તું પિતુમાતા, દે સુખશાતા, સુખદાતા.

જય પૂર્ણપ્રકાશી, વિશ્વવિલાસી, અખિલનિવાસી, આકાશી,

જય અચળઉજાસી, વિપતવિનાશી, છત નિજ દાસી, છે ખાસી;

ઋષિ સહસ્ર અઠ્યાસી, સિધ ચોરાશી, તત્ત્વ તપાસી, ચિત ચ્હાતા,

જય જય જગત્રાતા, તું પિતુમાતા, દે સુખશાતા, સુખદાતા.

જય જય જગસ્વામી, સદ્ગુણગ્રામી, નિર્મળનામી, નહિ ખામી,

જય અંતરજામી, અચળ અકામી, શુભવિશ્રામી, સુખધામી;

પ્રભુ તુજ પદ પામી, થાય પ્રણામી; જે હરામી, જન થાતા,

જય જય જગત્રાતા, તું પિતુમાતા, દે સુખશાતા, સુખદાતા.

જય સર્વાધારા, સુખ કરનારા, પ્રીતમ પ્યારા, પ્રભુ મારા,

સઘળા ગુણ તારા સૌથી સારા, અન્ય નઠારા, ખુબ ખારા;

તુજ મતથી ન્યારા, જે નર દારા, ભયના ભારા, ભરિ જાતા,

જય જય જગત્રાતા, તું પિતુમાતા, દે સુખશાતા, સુખદાતા.

તું સમર્થ તરવા, તારણ કરવા, અભરણ ભરવા, ભય હરવા,

દુષ્કર આદરવા, ધરણી ધરવા, ગુણ વાવરવા, ગુણગરવા,

ચહું કીર્તિ ઉચરવા, ઠિક થઇ ઠરવા, યશ વિસ્તરવા, વિખ્યાતા,

જય જય જગત્રાતા, તું પિતુમાતા, દે સુખશાતા, સુખદાતા.

મન તુજને મળવા, તનદુખ ટળવા, અકળિત કળવા, રસ ગળવા,

અંતે અવિચળવા, પાપ પ્રજળવા, દા'ડો વળવા, દુખ ટળવા,

શુભ કૃત ફળ ફળવા, બંધન બળવા, હિત સાંભળવા, હે ભ્રાતા!

જય જય જગત્રાતા, તું પિતુમાતા, દે સુખશાતા, સુખદાતા.

હૃદયે મુજ રસિયા, વાસો વસિયા, ક્ષણું ખસિયા, જ્યમ કસિયા

હેતેથી હસિયા, ઠિક થઈ ઠસિયા, બોલે ફસિયા બહુ જશિયા

વળિ સરસ વિલસિયા, ધીમે વસિયા, રતી ચસિયા, રસરાતા

જય જય જગત્રાતા, તું પિતુમાતા, દે સુખશાતા, સુખદાતા.

જય જય અસુરારી, કરુણાકારી, બળિયા, તારી બલિહારી,

સૃષ્ટિ સંહારી, તેં વિસ્તારી, તેં ઉગારી, નરનારી,

જેવી મતિ મારી, સ્તુતિ ઉચ્ચારી, લે દિલધારી, જગદાતા,

જય જય જગત્રાતા, તું પિતુમાતા, દે સુખશાતા, સુખદાતા.

સ્તુતિ કરિ તુજ નામે, કરુણા કામે, ઉર ધિર મેં, ઠામે,

રહિ ધીરજ ધામે, જે જન પામે, ભુલે ભામે, ભય વામે;

શુભ છંદ રચ્યા મેં દલપતરામે, પછી કર્યા મેં પ્રસરાતા,

જય જય જગત્રાતા, તું પિતુમાતા, દે સુખશાતા, સુખદાતા.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 167)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002