prabhumay jivan - Metrical Poem | RekhtaGujarati

પ્રભુમય જીવન

prabhumay jivan

રમણભાઈ નીલકંઠ રમણભાઈ નીલકંઠ
પ્રભુમય જીવન
રમણભાઈ નીલકંઠ

મુજ જીવન આ પ્રભુ! તુંથી ભરૂં,

બલ દે, અભિલાષ હું એહ પુરૂં.

મુજ દેહ વિશે, વળી આત્મ વિશે,

જડ ચેતનમાં પ્રભુ વાસ વસે.

મુજ રક્ત વિશે, મુજ નાડી વિશે,

મુજ દૃષ્ટિ વિશે, મુજ વાણી વિશે;

મુજ તર્ક વિશે, મુજ કર્મ વિશે,

પ્રભુ! વાસ વસો મુજ મર્મ વિશે.

શિરમાં, ઉરમાં, મુખમાં, કરમાં,

પ્રભુ વ્યાપી રહો મુજ અંતરમાં;

મુજ જવન કેરૂં રહસ્ય ઉડું,

બન પ્રેરક ચાલક શાસક તું.

ધરીને ઉરમાં રસની પ્રતિમા-

જહીં ઉન્નતિનો સ્થિર છે મહિમા-

સ્મરી આકૃતિ એ નિજ પીંછી ધરે,

અનુસાર જ ચિત્ર પછી ચીતરે;

જ્યમ ચિત્રક એ મન-મૂર્તિ વડે,

બહુ સુંદર ઉત્તમ સૃષ્ટિ રચે;

ત્યમ જીવનના પટની ઉપરે,

મુજ લેખન તે તુજ સાક્ષી પુરે.

પ્રભુ! મુદ્રિત અંકિત તું હૃદમાં,

કૃતિઓ બધી તન્મય હો જગમાં;

મુજ વર્તનથી છબી જે બની રે,

તુજ ઉજ્જવલ રૂપની ઝાંખી દિયે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 143)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  • વર્ષ : 1928