દલપતરામ
Dalpatram
(દોહરો)
પ્રથમ કરું પ્રભુ પ્રાર્થના, દોષ ક્ષમણ દે દાન;
તજ્યો નથી તનવાસના, ભજ્યો નથી ભગવાન.
(વૈતાળીય છંદ)
નથિ હું તન વાસના તજ્યો,
નથિ હું નમ્રપણે પ્રભુ ભજ્યો;
કરુણાનિધિ તું કૃપા કરી,
હરજે ક્લેશ હમેશ હે હરિ.
નથિ મેં વ્રત દાન આદર્યાં,
નથિ મેં કામ રુડાં કશાં કર્યાં;
ખળતા કરી મેં ખરેખરી,
હરજે ક્લેશ હમેશ હે હરિ.
ન પડ્યો શુભ માર્ગ શોધમાં,
ન પડ્યો હું બહુ જ્ઞાન બોધમાં;
અવળી ગતિ નિત્ય આચરી,
હરજે ક્લેશ હમેશ હે હરિ.
ન રહ્યો વળી હું વિવેકમાં,
ન રહ્યો હું તલભાર ટેકમાં;
ડગલાં ન ભર્યાં ડરી ડરી,
હરજે ક્લેશ હમેશ હે હરિ.
પડિને અતિ પ્રૌઢ પાપમાં,
તક ખોઈ ત્રણ ભાત તાપમાં;
ઠિક થૈ ન વસ્યો કદી ઠરી,
હરજે ક્લેશ હમેશ હે હરિ.
કરજે દુર બંધ કર્મના,
ધણિ ધિંગા પ્રભુ બેલી ધર્મના;
જઉં સાગર તર્ત તો તરી,
હરજે ક્લેશ હમેશ હે હરિ.
બહુ સંશય સાથ બોલિયો,
ભ્રમણામાં ભમિ ભૂલિ ડોલિયો,
દૃઢતા નહિ ધ્યાનમાં ધરી,
હરજે ક્લેશ હમેશ હે હરિ.
ગણિ સ્વારથ અર્થમાં ફર્યો,
અતિશે વ્યર્થ અનર્થ તો કર્યો;
તજી પુણ્યની વાત તો પરી,
હરજે ક્લેશ હમેશ હે હરિ.
શુભ કારજ જાણિ સાધિયાં,
ઉલટાં કષ્ટ અનંત વાધિયાં;
ફિટકાર મળ્યો ફરી ફરી,
હરજે ક્લેશ હમેશ હે હરિ.
સુખકારિ કથા ન સાંભળી,
સુણિ મેં ગ્રામ્ય કથા ગણી ગળી;
ભગતી નહિ ભીતરે ભરી,
હરજે ક્લેશ હમેશ હે હરિ.
પ્રભુ તું ભવ તારનાર છે,
અધમોદ્ધાર અને ઉદાર છે;
અતિ તે ગુણને અનુસરી,
હરજે ક્લેશ હમેશ હે હરિ.
રૂદયે દલપત્તરામને,
કરજે ઠીક ઠરાવિ ઠામને;
જનપાળપણું ધરી જરી,
હરજે ક્લેશ હમેશ હે હરિ.
(દોહરો)
હે હરિ ક્લેશ હમેશ હર, કર સુખ પૂરણ કામ;
એ માગે તુજ આગળે, દિન દિન દલપતરામ.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 169)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
