prabhu! jivan de - Metrical Poem | RekhtaGujarati

(તોટક)

પ્રભુ, જીવન દે, હજી જીવન દે!

વિપદો નિતનિત્ય નવીન નડે,

ડગલું ભરતાં કુહરે જ પડે,

કંઈ ગુપ્ત ભયો મહીંથી ઊઘડે,

વનકંટકથી તને રક્ત ઝરે,

પણ તોય ન અશ્રુ કદાપિ ખરે

દૃગ, એ પડીને ફરીથી ઊપડે

પગ, એટલું હે પ્રભુ જીવન દે!

પ્રભુ, જીવન દે, નવજીવન દે!

પ્રભુ, બંધનમાં જકડાઈ ગયો,

મુજ દેહ બધો અકડાઈ ગયો,

અવ ચેતન દે,

નવચેતન દે!

સહુ એક જ ઘાથી હું તોડી દઉં,

તલ ગાઢ અહંત્વનું ફોડી દઉં,

તુજ વારિ વિશાલ મહીંથી ઊડે,

લઘુ પામરતા બધી માંહી બૂડે,

જલ એ ઊભરી અભર્યું જ ભરે,

પ્રભુ, એ જલમાં ઝીલવાનું જ દે!

પછી દર્દુર દીર્ઘ રવે જ ભલે

દિનરાત ડરાઉં ડરાઉં કરે.

પણ નિર્ભય મુક્ત અસીમ જલે

ઝીલતાં જનશું મળવાનું જ દે;

પ્રભુ, ચેતન દે, નવચેતન દે.

યદિ એ નવ દે,–

પણ જીવન ઓટ ન ખાળી શકું,

મુજ જીવન ખોટ ન વાળી શકું,

હળવે મુજ જીવનહ્રાસ થતો,

અમ નિર્બળનો ઉપહાસ થતો

જગ ટાળી શકું

નહિ, એવું ન દે! પ્રભુ, એ કરતાં,

મુજ આયુષશેષય સંહરતાં,

ઘડી યૌવન જીરણ અંગ તું દે,–

પ્રભુ, જિંદગી પુણ્ય વિના ગઈ છે,

પણ ક્યાં તુજ એ કરુણા ગઈ છે?–

બીજું ના કંઈ તો બસ આટલું દે,

જગ પાપ શું કૈં લડવાનું જ દે,

લડી પાર અને પડવાનું જ દે,

હસી મૃત્યુમુખે ધસવાનું જ દે,

ધસી મૃત્યુમુખે હસવાનું જ દે,

જીવવા નહિ તો,

મરવા કોઈ ભવ્ય પ્રસંગ તું દે!

ઘડી એ બસ એટલું યૌવન દે;

પ્રભુ, યૌવન દે, નવયૌવન દે!

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941