દલપતરામ
Dalpatram
(રાગ પ્રભાતિ)
મળી માત ને તાત પ્રભાતમાં, પુત્રીને સુણ કહે વાત ગઈ રાત વીતી,
ઉઠી અત્યારમાં અધમ ઉદ્ધારમાં, જગત કરતારમાં જોડ પ્રીતિ. ટેક૦
વેગળાં ઢુંકડાં કુકડાં બોલીઆં, ખોલીયાં દ્વાર દરબાર કેરાં,
જાગીયા લોક તે ઉદ્યમે વળગીઆ, વાગીયા ઘંટ જ્યાં દેવદેરાં. મળી૦
ઉદિત આદિત્ય આભાસ આકાશમાં, ચંદ્ર પ્રકાશ તો નાશ પામ્યો;
પીગળી પાણી થઈ ઝરણમાં જાય છે, હોય જે હિમથી બરફ જામ્યો. મળી૦
ચકલી ચકચક કરે, કાગ કાકા કરે, હંસ પોપટ મેના મધુર બોલે;
રાગ પ્રભાતિ કોઈ ગાઈ ખુશ થાય છે, ગાય ભેંસો ગળે બંધ ખોલે. મળી૦
ઘંટીના ઘોર સુણ જોરથી જો વળી, મસીદમાં બાંગ મુલ્લાં પોકારે;
સ્નાન કરી સુંદરી, જળભરી જાય છે, ન્હાય છે કોક નદીને કિનારે. મળી૦
જો તું દીવો જઈ જોત ઝાંખી થઈ, ચોરને ઘુડ સંતાઈ પેઠા;
પદ્મ પ્રફૂલિત થયાં, પતિત થઈ પોયણી, બગઠગો જઈ નદીઘાટ બેઠા. મળી૦
ખેડુ ખેતી કરે, સોની સોનું ઘડે, લોહ લુહાર કંસાર કાંસુ;
નાર મરનારને રાગ તાણી રૂએ; આંખમાં એક નહીં હોય આંસુ. મળી૦
ઉઠી નરનારીઓ, ઉઘડી બારીઓ, દેખ મહીઆરીઓ મ્હી વલોવે,
જો વટેમાર્ગુ જાય છે વાટમાં, ઘાટમાં ધોબી જન વસ્ત્ર ધોવે. મળી૦
ધીર શૂરવીર તે ધનરુવિદ્યા ધરે, રાજ દરબાર વાજીંત્ર વાજે;
ચોકી બદલાય છે, ચોક છંટાય છે, રાય જઈ બાગ મધ્યે બિરાજે. મળી૦
કુળવંતી નારી સંતાન સંભાળતી, મધુરમુખ બોલતી બોલ ઉઠી;
બાળને મારતી ધણીને ધમકાવતી, ફૂઅડ રંડા કરે કલેશ રૂઠી. મળી૦
હોય ધનવંત ધીમંત ધોઈ દંતને, સ્નાન કરી સરસ સુગંધ સુંઘે;
આળસુ એદી ને અક્કલના આંધળા, અફીણીઆ તે સમે ખૂબ ઉંઘે. મળી૦
આ સમે ઉઠી અભ્યાસ જે આદરે, આઠ દસ માસમાં અર્થ સાધે;
વનતણા પવનને સેવતાં આ સમે, થાય આરોગ્ય તન વરસ આઘે. મળી૦
વીસરી હોય તે વાત પણ સાંભરે, આ સમે ઉઠી જો યાદ કરીએ;
કઠણ જે દલપતરામનું કામ છે, કાવ્ય કલ્લોલ તે તરત તરીએ. મળી૦
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
