prabhat - Metrical Poem | RekhtaGujarati

(વસન્ત-તિલકા)

સામેથી દૂર થકી નીરખી સૂર્યસિંહ,

તેજસ્વી યાળ ભરી ફાળ, કરાળ દેહ,

આવંત અગ્નિ ભરિયાં ધરી નૅન તાતાં,

અંગો બધાં ઝળકતાં રુધિરેથી રાતાં.

એવો નિહાળી ભયભીત શશી થઈને,

ધોળી સમસ્ત નિજ ગાય લઈ લઈને,

વાડો ગોળ નિજ તે મહીં પૂરી તો,

જો મન્દકાન્તિ થઈ આમ લપાઈ જાતો!

ને તારલાહરણટોળું ભયેથી ફીકું,

જો આમ તેમ અહીં નાસતું વેગથી શું!

ને મેઘઝાડી થકી નીકળી સિંહ પેલો

જો એકલો નભ વિશે વિચરે શું ઘેલો!

સ્રોત

  • પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
  • વર્ષ : 1939
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ