રામનારાયણ પાઠક 'શેષ'
Ramnarayan Pathak 'Shesh'
[પૃથ્વી]
ગભીર ભવસાગરે સભર તોય માઝાવતે —
મહાન ખગરાજ પાંખ સમતોલ બે રાખીને
ઊડે સતતવેગ જેમ, વણ મોહ, ધારી દિશે
પ્રફુલ્લ-સઢ તેમ જેહ નિજ માર્ગ એકાગ્ર થૈ
સરે સુભગ કાફલા સરલ તેમને, હે પ્રભો!
પ્રસન્ન અનુકૂલ પ્રેરી પવનો જ તું તારી દે.
અપાર ભવસાગરે વગર પંથનાં વારિ જ્યાં,
તહીં ડૂબકી મારવા રતન મોતી કે મચ્છના
પ્રલોભનથી જે ભમે, ભ્રમણમાં જ ભૂલા પડે,
ચડે જઈ જહીં કઠોર ખડકો ઊભા ઘેરીને
કરાલ, જ્યમ હોય દાંત જડબા મહીં મૃત્યુના,
તહીંય પડી આખડી ડૂબીય કેટલા નીકળે,
હરીફ બની એકમેક વળી દોડધામો કરે,
તુફાન પણ આખરે પ્રબલ સર્વને આવરે -
દીસે અવિન આભ બેઉ ઊમટેલ સીમા તજી,
અરે, અસલ પંચભૂતય સ્વભાવ ભૂલી લડે,
દશે દિશ શું સિન્ધુપાત્ર મહીં ઘોળીને પી જતો
લસે પ્રલય અંધકાર ઘન-અટ્ટહાસ્યે હસે,
સુણાય નિજ શબ્દ ના, ન નિજ હાથ દેખાય, ને
જડ પ્રકૃતિવેગને વશ બને જનો, તેમને
અરૂપ ગળી જાય અન્ધ તમ તે પહેલાં, પ્રભો!
પ્રકાશ કર ને સનાતન બતાવ તારો પથ
પસારી કરુણાકટાક્ષ તમભેદી થૈ તારક!
અનંત ભવસાગરે ન જહીં કાલચિહ્ન દીસે,
'અનેક તહીં કાફલા સફરમાં ગયા તે ગયા,
કઈ અહીં જઈ ડૂબ્યા, કઈ પણે જઈને ડૂબ્યા,
ગયા ક્ષિતિજપાર કો ન પણ તેમનું કૈં સુણ્યું!
ખરે ડૂબવું છે જ તો સફર શીદને વેઠવી?'
કરી, કરચલા સમા, ન ગતિ ઊર્ધ્વ કો દી કરે,
રહે વળગીને તટે જમીનમાં બખોલો કરી,
મહીં મહીં લડી મરે નિજ સલામતી શોધતા,
પ્રકાશ, અવકાશ, આશ નવ જાણતા, તેમને
પ્રભો! શરણ દીનના! વચન પૂર્વનાંને સ્મરી,
દયાનિધિ! પિતા, સ્વયં તું અવતાર લે તારી લે!
સ્રોત
- પુસ્તક : રા. વિ. પાઠકનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 3)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2013
