pitanaan ful - Metrical Poem | RekhtaGujarati

પિતાનાં ફૂલ

pitanaan ful

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
પિતાનાં ફૂલ
ઉમાશંકર જોશી

અમે જેની ખાંધે વજન ફિકરોનું થઈ ફર્યા

બધે આયુર્માર્ગે, જગની ગલીકૂંચી વિવિધમાં,

ચડાણે, ઊંડાણે શિરવિટમણાઓ થઈ ભમ્યા;

અમે લાવ્યા રે શરીર નિજ ખાંધે ઊંચકીને,

અહીં લાવ્યા રે શરીર નિજ ખાંધે જનકનું.

અને જેનાં હાડે પૂરવજદીધી પ્રાણસરણી

પુરાણી પોષાઈ વહી અમ મહીં કૌતુકવતી,

અમે આવ્યા રે નિજ જનકના હાડઢગની

પડી સાનીમાંથી અગનબચિયાં ફૂલ વીણવા.

ભરી વાળી સાની ધખ ધખ થતી ટોપલી મહીં,

અને પાસે વ્હેળો ખળળ વહતો ત્યાં જઈ જળે

ડબોળી, ટાઢોળી, જરીક હલવી, ને દૂધ સમા

પ્રવાહે સ્વર્ગં ગાજલ થકી શકે તારક વીણ્યા!

વીણ્યા તારા, ફૂલો જગનું બધું યે સુંદર વીણ્યું,

લાધે સ્હેજે જે, શિવ સકલ આજે મળી ગયું;

શમ્યા મૃત્યુશોકો, અમર ફરકંતી નીરખીને

પિતાનાં ફૂલોમાં ધવલ કલગી વિશ્વક્રમની...

(બામણા, એપ્રિલ ૧૯૩૪)

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 170)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : (બીજી આવૃત્તિ)