tadamya - Metrical Poem | RekhtaGujarati

પોઢી ઝાંખી પ્રિયભવનમાં છાંયડી પૂર્વજોની,

ત્હેમાં બેસી ગૂંથતી ઝભલાં સુન્દરી પુણ્યવન્તી;

માતાકંઠે હીંચી ઝરે ચન્દ્રિકા ચુમ્બનોની

બાળુડાની કુસુમપટ શી શ્વેત મુદ્રા હસન્તી.

ચુંબે-દાબે અમૃત નયનો માતના હસ્તલેખા,

ન્હાની આંખો અનિમિષ ઊંડુ શું આંખડીમાં નિહાળે;

પાછાં વાળે વળી વળી ધીમાં ચુંબનો માતૃરેખા,

ને સંકેલી નયનકિરણો બાળનું તેજ ભાળે.

આધે દેશો ગિરિશિખરમાં વ્યોમછાયે પડેલા,

મોંધી મૂર્તિ શ્રમિત લઈને પ્રાણમાં આવી ઊભા;

હૈયે લીધો તનય, લટને ચુંબનોથી સમારી:

જોયું ચારે દિશ સદનમાં, શૂન્ય સ્થાનો થયેલાં

ધારે કાન્તિ નવીન, ચુમતી સુન્દરી બાળશોભા:

‘વ્હાલા! વ્હાલા! પ્રણયપ્રતિમા બાળુડી ત્હમારી.’

સ્રોત

  • પુસ્તક : ન્હાનાલાલ-મધુકોષ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002