barityag - Metrical Poem | RekhtaGujarati

બારીત્યાગ

barityag

કોલક કોલક
બારીત્યાગ
કોલક

(મિશ્રોપજાતિ)

પૂનેમની ચાંદની રાત માંહે

હું, મારી પત્ની, શિશુ સાથ ત્રીજો,

શહેર જવા સૌ ઉપડ્યાં સહેલવા

જોવી પડી ‘ફીલમ' દેવદાસની.

જઈ ઝપાટે ઝટ, ગાડી આવતાં

અમે પ્રવેશ્યાં ગભરાટ છોડી.

સખી ગઇ બારી સમીપ બેસી,

કહી મને સન્મુખ તેની બેસવા.

“દે બેસવા બારી સમીપ તું મને,

ને બેસ તુ સંમુખ આમ મારી.”

કહી, ધરી રાહ જગા તણી હું

ઉભો તહીંથી ડગ યે ખસી ના.

કીધો ઘણો આગ્રહ તોય, તેણે

જગા આાપી. “શિશુને જરી, લ્યો;

જુઓ રડે છે તમને નિહાળી

ઉભા રહેલા.” વદતી હસી રહી.

“સ્વામી કહે તે કરવું પડે સખી

શું શિખી શાસ્ત્ર વિષે હજી તું?”

ને ત્યાં સખી સસ્મિત બોલી ધીરે,

“કિન્તુ આવી રીત પ્રેમની કદી,

જુઓ લખાયું ઇતિહાસ પાને-

ગાદી પ્રિયા કાજ ત્યજી નૃપાલે

તો બારી ના છોડી શકો તમે પછી

પ્રેમમૂર્તિ સખી કાજ આજે?”

સ્રોત

  • પુસ્તક : સ્વાતિ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : મગનભાઈ લાલભાઈ દેસાઈ ‘કોલક’
  • પ્રકાશક : કવિતા કાર્યાલય
  • વર્ષ : 1941