pashchattap - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પશ્ચાત્તાપ

pashchattap

કલાપી કલાપી
પશ્ચાત્તાપ
કલાપી

તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો'તો,

તેમાં લોહી નિરખી વહતું, ક્રૂર હું તો હસ્યો’તો;

ના રોયું, તડફડ થયું કાંઈ ના કષ્ટથી એ,

મેં જાણ્યું કે જખમ સહવો સ્હેલ સ્હેનારને છે. ૧

કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં આવી?

રોતું મારું હૃદય ગિરિ શા ભાર નીચે દબાઈ;

રે રે! તે ઘા અધિક મુજને મૃત્યુથી કાંઈ લાગ્યો,

અંગારો મુજ જિગરના મૂળને ખાઈ જાતો. ર

કેવો પાટો મલમ લઈને બાંધવા હું ગયો'તો!

તે જોઈને જખમી નયને ધોધ કેવો વહ્યો'તો!

અશ્રુ, જખમ, મુખ એ; નેત્ર એ, અંગ એ,

બોલી ઊઠ્યાં પરવશ થયાં હોય સૌ જેમ હેતે: ૩

‘વ્હાલા! વ્હાલા! નવ કરીશ રે! કાંઈ મારી દવા તું,

ઘા સ્હેનારું નવ સહી શકે દર્દ તારી દવાનું;

ઘા દે બીજો! અગર મરજી હોય તેવું કરી લે,

તારું તેનો જરૂર સખે પૂર્ણ માલિક તું છે.’ ૪

ત્યારે કેવાં હૃદય ધડક્યાં સાથસાથે દબાઈ!

વ્યાધિ તેની, મુજ જિગરની, પૂર્ણ કેવી ભુલાઈ!

ઘા રુઝાયો, સમય બહુ ક્રૂર ઘાને થયો છે,

તોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે! પ

હા! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે;

ઓહો! કેવું સ્મરણ મધુરું પાપનું ધરે છે,

માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે! ૬

રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે,

તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે;

હું પસ્તાયો, પ્રભુ! પ્રણયીએ માફી આપી મને છે,

હું પસ્તાયો, મુજ હૃદયની પૂર્ણ માફી મળી છે. ૭

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ