Parodhiyu - Metrical Poem | RekhtaGujarati

પરોઢિયું

Parodhiyu

દલપતરામ દલપતરામ
પરોઢિયું
દલપતરામ

(ઉપજાતિ વૃત્ત)

ઘંટા તણા ચાર ટકોર વાગ્યા,

ઉદ્યોગી લોકો જન સર્વ જાગ્યા;

જાણે શ્રુતિ ચાર તણા ઉચારે,

મુમુક્ષુ અજ્ઞાનપણું ઉતારે.

પૂર્વે ઉગ્યો શુક્રતણો શિતારો,

તેજસ્વી તો શોભિત શ્રેષ્ઠ સારો;

શું સૂર્યનો તે સરદાર આવ્યો,

સંધિ કરાવા શુભ વિષ્ટિ લાવ્યો.

પરોઢિયે શીતળ વાયુ વાય,

તેથી પડે ટાઢ અને ધુજાય;

કુરાજ્યમાં જેમ જનો જંપે,

બીકે બધાં લોકની કાય કંપે.

પરોઢિયે ઝાકળ તો પડે છે,

ભીનાં થયેલાં તરુ તે વડે છે;

જાણે નિશાસુંદરી છાંડી ધીર,

રોઈ ધરાવે નિજ નેણ નીર.

કૂકૂ સ્વરો કુક્કુટ તો કરે છે,

સર્વત્ર જેના સ્વર સંચરે છે;

જાણે રવિરાય પધારનારો,

તેના છડીદાર તણા ઉચારો.

વાજે રૂડાં ચોઘડિયાં નગારાં,

જે લોકને નિત્ય જગાડનારાં;

જાણે નવા રાજ્યની ફોજ આવે,

તેની બડી નોબત બજાવે.

ઘંટીતણા ઘોષ ઘણાક થાય,

દાણા પડ્યા બે પડમાં દળાય;

આકાશ પૃથ્વી પડ બે પ્રમાણો,

જીવો પડ્યા તેમ દળાય જાણો.

મહી વલોવે મહિયારી નારી,

તજી બીજું માખણ લે ઉતારી;

તે જેમ સુજ્ઞો સુણી શાસ્ત્રબોધ,

તજે બીજું સંઘરી સાર શોધ.

સીમા ભણી શબ્દ કરે શિયાળ,

કાને પડે ઘોષ ઘણા કરાળ;

જાણે નિશાની ચમુને જણાવે,

નાસો હવે સૂર્યનું સૈન્ય આવે.

વિદ્યારથી પાઠ ઉઠી કરે છે,

જાણે રવિના જશ ઊચરે છે;

પ્રભાતિયાં ગાય સુભક્ત પ્રીતે,

જાણે રવિના ગુણ ગાય ગીતે.

રસપ્રદ તથ્યો

1. શિતારો - તારો, 2. ચમુ - ફોજ

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002